________________
[૫.૧] અવ્યાબાધ સ્વરૂપ
૭૧
દઝાય છે, ને બીજું થાય છે ને બધું અસરો થાય છે ને ! એટલે અમે એ સ્વરૂપમાં બેસાડીએ છીએ. પછી આપણે કશું દુઃખ ના હોય.
પ્રશ્નકર્તા: હવે દાદા, કોઈ મુશ્કેલી ના નડે. દાદાશ્રી : તારું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ જેવું લાગ્યું તને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કોઈનાથી દુઃખ ના થાય એવું સ્વરૂપ છે. પ્રશ્નકર્તા દુઃખ ના થાય હવે.
દાદાશ્રી : સેફ સાઈડ થઈ ગયો તું. આ જગતના લોકો તને કંઈ પણ અનસેફ કરવા માગે તો તું સેફ સાઈડ થઈ ગયો. કારણ કે આ જ્ઞાન સમજ્યો. આ જ્ઞાન સમજે તે બધાને આવું થઈ ગયેલું હોય. દરેકને કશું જ ના થાય. ગાળો ભાંડે તોય કશું નહીં, મારે તોય કશું નહીં, લૂંટી લે તોય કશું નહીં અને છતાં નફફટ હોય નહીં. નફફટને કશું ના થાય. પણ એ તો નફફટને કશું ના થાય એટલે જાણે કે દુનિયાએ કાઢી નાખેલો માણસ. આ તો દુનિયામાં સર્વિવેકવાળો, કેવો જાગ્રત ! નિરંતર જાગ્રત !
અવ્યાબાધ સ્વરૂપીને ભય શો ?
એટલે મહાવીરને જગત-જીત કહ્યા. એ કોઈથીય હાર્યા જ નહીં, ને લોકો તો વાત વાતમાં હારી જાય છે. જગતને તો જીતવાનું છે. આત્મરૂપ થયો એટલે જગત જીતાય. કારણ કે પોતે અવ્યાબાધ સ્વરૂપ છે.
આત્મા અવ્યાબાધ છે એટલે કોઈ પણ વસ્તુ, કોઈ ચીજ એવી નથી કે એને બાધા-પીડા કરી શકે. એટલો સેફ સાઈડ છે. આ દુનિયામાં બધી તરકીબો નકામી જાય. આ સાયન્ટિસ્ટો ગમે એટલી તરકીબો કરને કે બીજા બધા એ બૉમ્બવાળા, બધી તરકીબો ત્યાં નકામી જાય. કોઈ તરકીબ અડે નહીં અગર તરકીબ એને સહેજ પણ દઝાડે નહીં, એવો અવ્યાબાધ સ્વરૂપી છે. એને ભય શો? ડરવાનું શું રહ્યું? એવો આત્મા તમારો છે અને જો આત્મા થયા છો, તો શાને માટે ડરવાનું?