________________
૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સ્વરૂપને પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવાનો છે. આ બે અભ્યાસ કરવાના છે. હવે એ કૃષ્ણ ભગવાને કહ્યું, તે અભ્યાસ સહુ સહુની ભાષામાં લઈ ગયા લોક. હાયર સ્ટાન્ડર્ડનો, લોઅર સ્ટાન્ડર્ડનો કે કૉલેજનો અભ્યાસ કરવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ ના થાય.
સચ્ચિદાનંદ સ્વરૂપ થયેલાતી ભજતાથી થવાય તે રૂપ
પ્રશ્નકર્તા ઃ હવે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને જીવ પંચ ક્લેશવાળો છે, તો આ જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ કેવી રીતે થાય ?
દાદાશ્રી : જેને ભજે તેવો થઈ જાય. સચ્ચિદાનંદને ભજે તો સચ્ચિદાનંદ થઈ જાય અને બહારવટિયાને ભજે તો બહારવટિયો થઈ જાય. જીવનો સ્વભાવ એવો છે કે જેને ભજે એવો થઈ જાય. મુક્ત પુરુષને ભજે તો મુક્ત થાય અને બંધાયેલાને ભજે તો બંધાયેલો થઈ જાય. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ થયેલા હોય, એમને આપણે ભજીએ તો એ રૂપ આપણે થઈએ.
પ્રશ્નકર્તા: એ સચ્ચિદાનંદમય કેવી રીતે થાય ? દાદાશ્રી : સચ્ચિદાનંદમય છે જ એ. એમાં કંઈ નવું થવાનું નથી.
પ્રશ્નકર્તા: પણ સચ્ચિદાનંદ તો પરમાત્મા હોય, આપણે આત્મા એ..
દાદાશ્રી : હા, એ પોતે જ પરમાત્મા છે. આત્મા જ પોતે પરમાત્મા છે. પરમાત્મા આનાથી બીજો કોઈ છે નહીં.
પ્રશ્નકર્તા ઃ તો પણ વિશ્વાસ કેમ નથી આવતો ?
દાદાશ્રી : શી રીતે વિશ્વાસ આવે ? વિશ્વાસી થયા છો? વિશ્વાસી થશો તો વિશ્વાસ આવશે. વિશ્વાસી એટલે જ્ઞાની પુરુષને ઓળખી અને જ્ઞાની પુરુષની પાસેથી આ ધારણ કરવું. સહુના આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. ફક્ત એની ઉપર આવરણ છે, એ તોડી આપે તમને. આવરણ તોડે એટલે દેખાય કે ના દેખાય ?