________________
દાદાશ્રી કામ નીકળી ગયું ! અને જો અક્રમ રોફ મારે છે ! અક્રમ તો ખરું રોફ મારે છે ને ?
પ્રશ્નકર્તા ઃ ગજબ રોફ મારે છે, દાદા !
દાદાશ્રી: હા, હા. આ ફેરો વળી ઓર નીકળ્યું ! લોકોને કદર છે અક્રમની. આવા કાળમાં જે કાળમાં કોઈ ચીજની સાચી કદર જ થતી નથી એવા કાળમાં પણ અક્રમની કદર કરનારા છે. એ તો આસ્તે આસ્તે, કારણ કે ખબર નથી, ખ્યાલ જ નથી કે આવી કોઈ વસ્તુ છે ! એ ખ્યાલ લાવતા થોડીવાર લાગે.
જગતને કામ આવે એટલા માટે કંઈ (સાધન) જરૂર તો પડશે ને ? એના માટે બધું મારું બોલેલું છપાય અને એ ચોપડીઓ થોડી થોડી સ્ટૉલ ઉપર વેચાયને તો પબ્લિસિટી થઈ જાય.
પ્રશ્નકર્તા: સ્ટૉલ ઉપર વેચવાનું ? દાદાશ્રી : હા, રેલવેના સ્ટૉલ ઉપર.
પ્રશ્નકર્તા: એ વાણી તો અદ્ભુત છે, દાદા. એ તો કોઈને વાંચવામાં આવે તો એનો ઉદ્ધાર થઈ જાય એવી વાત છે બધી.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: ન માનતા હોય એ પણ વાંચે છે ત્યારે “અહો ! અહો !” જ બોલે છે કે ઓહોહોહો ! આવું કદી વાંચ્યું નથી, આવું કદી જોયું નથી, આવું કશું સાંભળ્યું નથી.
દાદાશ્રી : એવું “અહો' બોલશેને, તો મહીં શું દવા પીધી એ તો હું જાણું છું. પુસ્તક પોતાને ઘેર રહ્યું પણ “અહો' બોલ્યો, તે તેની સાથે જ મહીં પરિણામ થઈ જાય છે. અહોભાવ ઉત્પન્ન થયો. કોની પર થયો ? ત્યારે કહે, દાદાની ઉપર. તો દાદા ઉપર કે જ્ઞાન ઉપર ? ત્યારે કહે, જ્ઞાન ઉપર.
જેમ આ શ્વાસોશ્વાસ આપણે લેવાનો નથી હોતો, એની મેળે લેવાય છે, એવું આ જ્ઞાનેય ગ્રહણ કરવાનું નથી. અમારા શબ્દો મહીં પેસી જાય અને ગ્રહણ થઈ જ જાય.