________________
અમે જે જ્ઞાન જોયું છે તે આજ સુધી બીજા પુસ્તકમાં આવ્યું જ નથી. તેથી આ અપૂર્વ જ્ઞાન કહ્યું. તીર્થકરોને દેખાયેલું એનું એ જ આ જ્ઞાન છે, પણ તીર્થકરો બોલેલા નહીં. તીર્થકરોએ જોયેલું ને જાણેલું તે બધું જ કહ્યું નથી. તે બધો ફોડ અમે પાડ્યો છે.
અમે આ બધી વાત કરીએ છીએ, તે કેવળજ્ઞાનમાં જોઈને કરીએ છીએ. જેને આવતી ચોવીસીમાં કોઈ ચેકો નહીં મારે. આવતી. ચોવીસીમાં તીર્થકરોય ચેકો નહીં મારે એવી ભાષામાં બોલીએ છીએ. માટે કામ કાઢી લેજો.
જ્ઞાની પુરુષના તો પોતાના જે વાક્યો હોય તે કેવા હોય ? એક વાક્ય પણ ઉછીનું લીધેલું ના હોય ! અમારા પુસ્તકમાં કોઈનું વાક્ય ના હોય. અમારી પોતાની ભાષામાં હોય. હા, જ્ઞાન બધેથી લીધેલું હશે. પ્રકાશ બધેથી લીધેલો હોય, પણ એ પછી અમારામાં પરિણમીને પછી બહાર નીકળેલું છે.
આ વાણી વર્લ્ડને સ્વચ્છ કરશે. કારણ કે આ વાણી મારી નથી. “મારી વાણી” થાય તો પોઈઝન (ઝેર) કહેવાય. ધીસ ઈઝ નોટ માય સ્પીચ.
આ સ્પીડી અસર થવાની છે અને જલદી અસર થવાની છે. તેથી આવું બધું થયું છે ને કંઈક નવી જાતનું કશુંક (કૌતુક) થવાનું છે ! નવી જાતનું જ બની રહ્યું છે.