________________
અક્રમ વિજ્ઞાન આત્મ સાક્ષાત્કાર પામવા માટેનું સરળ અને સચોટ વિજ્ઞાન
૧. મનુષ્ય જીવનનો ધ્યેય શું? આ તો ‘લાઈફ' બધી ફ્રેશ્ચર થઈ ગઈ છે. શેના સારુ જીવે છે, તેનું ભાન નથી. આ ધ્યેય વગરનું જીવન, એનો કંઈ અર્થ જ નથી. લક્ષ્મી આવે છે અને ખઈ-પીને મોજ કરીએ અને આખો દહાડો ચિંતાવરીઝ કર્યા કરીએ, એ જીવનનો ધ્યેય કેમ કહેવાય? મનુષ્યપણું મળ્યું એ એળે જાય એનો શો અર્થ છે? એટલે મનુષ્યપણું મળ્યા પછી આપણા ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ ? સંસારના સુખો જોઈતા હોય, ભૌતિક સુખો, તો તમારી પાસે જે કંઈ હોય તે લોકોને આપો.
આ દુનિયાનો કાયદો એક જ વાક્યમાં સમજી જાવ, આ જગતના તમામ ધર્મોનો સાર એ છે કે જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે આપો. હવે કોઈ કહેશે કે સુખ લોકોને અમે કેવી રીતે આપીએ, અમારી પાસે પૈસા નથી. તો પૈસાથી અપાય છે એવું એકલું જ નથી, એની જોડે ઓબ્લાઈઝિંગ નેચર રાખી શકાય, એનો ધક્કો ખઈ શકાય અને સલાહ આપી શકાય, બધી અનેક રીતે ઓબ્લાઈઝ કરી શકીએ એમ છે.
બે પ્રકારના ધ્યેય, સાંસારિક અને આત્યંતિક આમ બે પ્રકારના ધ્યેય નક્કી કરવા જોઈએ કે આપણે સંસારમાં એવી રીતે રહેવું, એવી રીતે જીવવું કે કોઈને ત્રાસ ન થાય, કોઈને દુઃખદાયી ન થઈ પડીએ. એવી રીતે આપણે સારા ઊંચા સત્સંગી પુરુષો, સાચા પુરુષો ભેગું રહેવું અને કુસંગમાં ન પેસવું એવો કંઈ ધ્યેય હોવો જોઈએ. અને બીજા ધ્યેયમાં તો પ્રત્યક્ષ “જ્ઞાની પુરુષ' મળી જાય તો એમની પાસેથી આત્મજ્ઞાન મેળવી) તેમના સત્સંગમાં રહેવું,