________________
દાદા ભગવાન' કોણ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેવમંદિરમાં ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ !!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને “દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે “દાદા ભગવાન” ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને “અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ ૨૦૦૩થી દેશ-વિદેશનાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા, જે ૨૦૦૬માં પૂજ્ય નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ છે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.