________________ 75 પ્રકરણ-૩ પ્રમોદભાવના એક દિવસ તે હરણીયું એક મુસાફરને મુનિ પાસે લઈ જાય છે. મુસાફર સુપાત્ર દાનનો અવસર મળતાં આનંદિત થાય છે અને ભાવપૂર્વક મુનિશ્રીને પોતાના ભાથામાંથી ગોચરી વહોરાવતો હોય છે. તે વેળાએ હરણીયું મુનિશ્રીના ચારિત્રધર્મની અને મુસાફરના દાનધર્મની અનુમોદના કરે છે. તે જ વખતે અચાનક જે વૃક્ષ નીચે ત્રણે ઉભા છે, તે વૃક્ષની શાખા પડે છે. ત્રણેનું મૃત્યુ થાય છે. ચારિત્રની આરાધના કરતા મુનિશ્રી અને એમાં દાન દ્વારા સહાયક બનવા તત્પર મુસાફરની જેમ હરણીયું પણ (અનુમોદનાના પ્રભાવે) દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્રણેની ગતિ એક જ થાય છે. સાથે હરણીયું આરાધકભાવ લઈને જાય છે અને પોતાના ભાવિકાળને ઉજ્વળ બનાવે છે. આ રીતે ગુણાનુરાગથી ગુણની આરાધના જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. હા, ફળમાં મુખ્ય આધાર અંતરંગભાવ છે. કરનાર અને કરાવનાર કરતાં અનુમોદનારનો અંતરંગભાવ વધુ ઉત્તમ હોય તો તે બંને કરતાં અનુમોદનારને વધુ લાભ થઈ શકે છે. છતાં પણ મુખ્યતાથી તો કરનારને જ વધુ લાભ થાય છે. અહીં એ પણ ખાસ નોંધી લેવું કે, જેને કરવાકરાવવાની ભાવના (દાનતો નથી, તેને અનુમોદના કરવાનો કોઈ અધિકાર પણ નથી અને લુખ્ખી અનુમોદનાનું કોઈ ફળ પણ નથી. ધર્મ ગમ્યો હોય, સેવવાની ઉત્કંઠા હોય, યથાશક્તિ સેવવાનો પ્રયત્ન જારી હોય, સામગ્રી-સંયોગના અભાવે યથાશક્તિ પણ આરાધના થતી ન હોય તેનો ડંખ હોય અને અન્યના ધર્મસેવનમાં સહાયક બનવાની વૃત્તિ હોય, ત્યારે જ અનુમોદના શુદ્ધ-સાચી બને છે. અહીં ઉલ્લેખનીય છે કે - ગુણ અને ગુણાભાસની પરીક્ષા કરીને જ ગુણનું અનુમોદન કરવાનું છે. ગુણાભાસની અનુમોદના ક્યારેય ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. ગુણનું અનુમોદન જ લાભદાયી બને છે. ગુણાભાસનું અનુમોદન તો નુકસાન કરે છે. ગુણ-ગુણાભાસ (અવગુણ) બંનેને સાચા-સારા માનનારા પણ અધ્યાત્મ પામી શકતા નથી.