________________ 74 ભાવનામૃત : મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - કોઈપણ કારણસર (સામગ્રી-સંયોગના અભાવના કારણે) સ્વયં પોતે ગુણોની આરાધના કરવામાં અસમર્થ હોવા છતાં પણ ગાઢ (સુદઢ) ગુણાનુરાગના પ્રભાવથી (અર્થાત્ મારા-તારાનો ભેદ પાડ્યા વિના ગુણના અર્થીપણાને કારણે જેને ગુણાનુરાગ પ્રગટ્યો હોય તેવા સુદઢ ગુણાનુરાગના પ્રભાવથી) તે તે ગુણોની આરાધનાનું (આરાધના કરવા જેટલું) ફળ જીવોને પ્રાપ્ત થાય છે અર્થાત્ ગુણાનુરાગથી ગુણોની આરાધના જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. ગુણાનુરાગનો મહિમા વર્ણવતાં શાસ્ત્રો નોંધે છે કે, સુપાત્ર એવા ચારિત્રધર મુનિ અને સુપાત્રદાન કરતા સદગૃહસ્થની અનુમોદના કરતાં કરતાં (તિર્યંચ જેવી ગતિમાં રહેલું) હરણીયું પણ સદ્ગતિને પામે છે અને મોક્ષમાર્ગની પગથાર ઉપર ચઢી જાય છે. * હરણીયાનું દૃષ્ટાંત H જાદવોની ચઢતી પડતીને જોઈ ચૂકેલા, ત્રણ ખંડના અધિપતિ શ્રીકૃષ્ણની જાહોજલાલી અને અંત સમયે પાણીના બુંદ માટેના તરફડાટને નજરે નિહાળનારા, પ્રિય ભાઈની વિદાયથી અત્યંત શોકમગ્ન બનેલા અને અંતે પરાકાષ્ઠાના વિવેકને વરેલા શ્રી બલદેવજી સર્વસંગનો ત્યાગ કરી શ્રી નેમિનાથપ્રભુના માર્ગે સંચરી ગયા છે. પુણ્યયોગે વિશિષ્ટ રૂપ સંપદા સાંપડી છે. દીક્ષા પછી એ રૂપ સંપદા વધુ ખીલી ઉઠે છે. મુગ્ધ સ્ત્રીઓ તેમના રૂપ ઉપર આકર્ષિત થઈ જાય છે. અનર્થથી બચવા મુનિવર જંગલને સાધના ક્ષેત્ર બનાવે છે. ગામ-નગરમાં આવવાનું બંધ કરે છે. કોઈ વટેમાર્ગુ આવી જાય તો તેની પાસેથી ગોચરી પ્રાપ્ત કરી સંયમનિર્વાહ કરતા હોય છે. તેમની સુંદર આરાધના જોઈને એક હરણીયું તેમનું ભક્ત બની જાય છે. અને તેના હૈયામાં મુનિની સાધના પ્રત્યે. અહોભાવ પેદા થાય છે. તેથી તે મુનિશ્રીને ચારિત્રમાં સહાયક બનવાનો પ્રયત્ન કરે છે. જે કોઈ વટેમાર્ગ જોવા મળે તેની પાસે મુનિશ્રીને લઈ જાય છે. તે રીતે મુનિશ્રી પોતાનો સંયમ નિર્વાહ કરતા હોય છે.