________________ 34 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન સંઘર્ષદશાનું મૂળ કારણ મહત્ત્વાકાંક્ષા અને કદાગ્રહ વગેરે છે. શાસ્ત્રીય મુદ્દાઓમાં “શાસ્ત્રના અક્ષરો જોઈને કદાગ્રહ મૂકી દેવો એ તપાગચ્છની ઉત્તમ નીતિ છે.” - આ પૂમહોપાધ્યાયશ્રીજીના (350 ગાથાના સ્તવનના સોળમી ઢાળની ૧૮મી ગાથાના) પરમપાવનીય વચનોને સામે રાખીને કદાગ્રહો છોડી શાસ્ત્રના આધારે એ મુદ્દાઓનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવે તો તમામ સંઘર્ષો ટળી જાય તેમ છે. અને મોક્ષના ચાહકને મહત્ત્વાકાંક્ષા શું રાખવાની ? આ વાતને દરેક હૈયામાં અવધારી લે તો બીજા પણ સંઘર્ષો ટળી જાય તેમ છે. કદાચ કોઈપણ કારણસર બીજાના ન ટળે, તો પણ, એ બે કારણોને ફગાવી દેવામાં આવે, તો આપણા મનમાંથી તો સંઘર્ષો ટળી જાય તેમ જ છે. - કોઈ એમ કહેતું હોય કે, સંઘર્ષો માત્ર તિથિ વગેરે શાસ્ત્રીય મુદ્દાઓને કારણે વધ્યા છે - તો તે સાચું નથી. એ સિવાયના તુચ્છ મુદ્દાઓને કારણે પણ ઘણા સંઘર્ષો ઠેરઠેર ચાલે જ છે. અહીં નોંધનીય છે કે - આપણે જિનના અનુયાયી છીએ અને જૈન હોવાનો દાવો પણ કરીએ છીએ, તો જિનની આજ્ઞા-જિનના જિનાગમો(શાસ્ત્રો)ની આજ્ઞા સાથે આપણે બંધાયેલા છીએ. એટલે કોઈપણ વિષય-વિવાદ-સંઘર્ષનો ઉકેલ શોધતી વખતે જિન અને જિનાગમને સામે રાખીને જ વિચારણા કરાય. પરંતુ એને બાજુ ઉપર મૂકીને નહીં અને તપાગચ્છની ઉત્તમ નીતિ મુજબ સંવિગ્ન ગીતાર્થ તેને કહેવાય, કે જે શાસ્ત્રના અક્ષરો દેખે એટલે (શાસ્ત્રવચનોથી વિરુદ્ધ જતા) પોતાના આગ્રહને મૂકી દે... આ વાત પૂમહોપાધ્યાશ્રીજીએ 350 ગાથા સ્તવનમાં નીચે મુજબ કરી છે. તે બાલાવબોધ સહિત અહીં પ્રસ્તુત છે “શાસ્ત્ર અનુસાર જે નવિ હઠે તાણીશું, નીતિ તપગચ્છની તે ભલી જાણીશું, જીત દાખે જિહાં સમય સારું બુધા, નામ ને ઠામ કુમતે નહીં જસ મુધા. 333 (16-18)"