________________ 20 ભાવનામૃતમાઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - તેથી જીવ જ્યારે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અસંગી (મમત્વ રહિત) બને છે, ત્યારે લેશ્યાશુદ્ધિ પ્રાપ્ત થાય છે. - મહત્ત્વની સાધના કષાયોને મંદ કરવાની છે. કષાયની મંદતા પણ કષાયમોહનીય કર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાનગર્ભિત જોઈએ. નિમિત્તજન્ય કે ભવપ્રત્યયિક કષાયમંદતા નહીં. અર્થાત્ સારા નિમિત્તોની વચ્ચે (લાભો પ્રાપ્ત થતા હોય, ઈચ્છાઓ પૂરી થતી હોય, માન-સન્માન મળતું હોય, વિદનકર્તાઓ ઉભા ન થયેલા હોય, સર્વોચ્ચ કક્ષા મળી હોય, બધા આગળ કરતા હોય, પ્રતિકાર કરવાની શક્તિ ન હોય, સહજતાથી ઈચ્છિત મળી જતું હોય એવા એવા શુભનિમિત્તોમાં) કષાય શાંત રહે, એ સાચી કષાયની મંદતા નથી. તદુપરાંત, યુગલિકોની જેમ તેવા પ્રકારના ભવસંબંધના કારણે કષાયો શાંત રહે તે પણ સાચી કષાયની મંદતા નથી. પરંતુ ગમે તેવા વિકટ નિમિત્તોની વચ્ચે-પ્રલોભનોની વચ્ચે પણ આત્મહિતને લક્ષમાં રાખીને, પ્રભુના વચનના અનુસંધાનપૂર્વક, ક્ષમાનમ્રતા-સરળતા અને સંતોષ-નિઃસ્પૃહતા દ્વારા ક્રોધાદિ કષાયોનું તાડન કરવામાં આવે અને ત્યારે જે કષાયની મંદતા પ્રાપ્ત થાય છે, તે સાચી છે - તાત્વિક છે - લેશ્યાશુદ્ધિનું કારણ છે. - વળી, કષાયોનો જન્મ વિષયોની-બાહ્યપદાર્થોની આસક્તિથી થાય છે. તેથી કષાયના નિગ્રહ માટે બાહ્યપદાર્થોનું મમત્વ તોડવું પણ જરૂરી છે. - આથી સાર એ છે કે - જ્ઞાનપૂર્વક ક્ષમાદિ ગુણો દ્વારા ક્રોધાદિ કષાયોના ઉદયને નિષ્ફળ બનાવવામાં આવે તો લેશ્યાશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેનાથી દ્વેષ-પ્રદ્વેષ-વેર-ઈષ્ય-અસૂયા (કે જે અશુભલેશ્યાના લક્ષણો છે, તે) મન ઉપર હાવી થતા નથી. તેના કારણે જીવો પ્રત્યેની હિતભાવના = મૈત્રીભાવના પામવી અને જીવંત રાખવી સરળ બને છે. પ્રશ્ન : મૈત્રીભાવના અને દ્વેષ સાથે રહી શકે કે નહિ ?