________________ 10 ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તદુપરાંત, આપણે જેના પ્રત્યે વૈર રાખીશું, તેનું કશુંય બગાડી શકવાના નથી. પરંતુ આપણે તો જરૂર બગડી જવાનું છે અને અન્ય નાના થઈ જવાના નથી કે આપણું માન-સન્માન ઘટી જવાનું નથી અથવા તો આપણું સ્વમાન હણાઈ જવાનું નથી. પરંતુ મૈત્રીભાવને આત્મસાત્ કરવાથી આત્મા મહાન બની જાય છે - જીવનમાં શાંતિ પથરાય છે - અધ્યાત્મની પરિણતિઓ ઉજાગર થાય છે. જ્ઞાનીઓએ તેના અગણિત લાભો બતાવ્યા છે. મૈત્રીભાવનાના લાભો અને વેરભાવથી થતા નુકશાનો આગળ ઉપર ઉદાહરણ સહિત વિચારીશું. વળી, આપણું હૈયું વૈરરૂપી વિષને સંગ્રહ કરવાનું ભાન નથી, પરંતુ મૈત્રીરૂપી અમૃતને સંગ્રહવાનું ઉત્તમ પાત્ર છે. વેર અગ્નિ જેવો છે. જેમ અગ્નિ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં બાળે અને આજુબાજુવાળાને પણ ભસ્મીભૂત કરે, તેમ વૈર સ્વ-પર ઉભયને બાળે છે. આથી ક્ષણભંગુર આ જીવનમાં કોઈની પણ સાથે વેર રાખવાની જરૂર નથી. સર્વ પ્રત્યે મૈત્રી ધારણ કરવી જ શ્રેયસ્કર છે. ગુણસેન રાજાના આત્મા સાથે વેર બાંધનારો અગ્નિશર્મા તાપસ અનંત સંસાર વધારે છે અને સંસારમાં પારાવાર દુઃખોને વેઠવાનો છે. કારણ કે, દઢ વૈરભાવના કારણે પાપકર્મો અને પાપના અનુબંધોનું ખૂબ સિંચન એના આત્મામાં થયેલું છે. કે સર્વ જીવોને બંધુવત્ લેખવો : શ્રી શાંતસુધારસમાં કહ્યું છે કે, "सर्वेऽप्यमी बन्धूतयानुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ / जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि॥१३-५॥" હે આત્મન્ ! આ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં તે સર્વ જીવોને હજારો વાર બંધુપણે (ભાઈ તરીકે) અનુભવ્યા છે - સર્વ જીવો હજારોવાર તારા જીવનમાં ભાઈ બનીને આવ્યા છે. તેથી તે સર્વે જીવો તારા બંધુઓ છે. કોઈ પણ જીવ તારો શત્રુ નથી, એમ મનમાં નિશ્ચય કર !