________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના હિંસાદિ જેમ પાપો છે. તેમ ઉન્માર્ગ પણ પાપરૂપ છે અને મિથ્યાત્વ પણ પાપ છે. તેથી જીવોનું જેનાથી અહિત થાય છે, તે સર્વેથી જીવોની મુક્તિ થાય તેવી ભાવના ભાવવાની છે. અહીં ઉલ્લેખનીય છે કે, જેમ જગતના જીવોનું હિત કરવાની ભાવના ભાવવાની છે, તેમ જીવોનું શાનાથી હિત થાય છે, તે ઉપાયોને પણ યથાર્થ રીતે જાણવા જરૂરી છે. નહીંતર અનર્થ થવાની સંભાવના છે. 3 મૈત્રીભાવનાથી વૈરનો ત્યાગ કરવો : सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः / कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरधिया परस्मिन् // 13-4 // - હે આત્મન્ ! સર્વ જીવો ઉપર મૈત્રીભાવને ધારણ કર ! આ જગતમાં કોઈને શત્રુ તરીકે માન નહીં. અલ્પ દિવસ ટકી રહેનારા આ જીવનમાં અન્ય જીવો પ્રત્યે વૈરભાવ રાખી તું શા માટે ખેદને ધારણ કરે છે ? જીવન ક્ષણભંગુર છે. નાનકડા જીવનમાં કોઈપણ જીવની સાથે કર્મવશ કોઈપણ સંઘર્ષ-અણબનાવ થઈ શકે છે. જો તમે તે જીવ પ્રત્યે હૈયામાં વૈરભાવ ધારણ કરશો, તો તે વૈરભાવ તમને સતત ખિન્ન રાખશે અને પ્રતિશોધ (બદલા)ની ભાવનામાં રમતા રાખી સતત સંતપ્ત રાખશે તથા આત્મામાં એના સંસ્કારો પડતાં તે ભવાંતરમાં પણ પીડા આપશે. જીવન તો વહેલું મોડું ખતમ થઈ જશે, પરંતુ વેરભાવ રહી જશે. ધનાદિ સંપત્તિ, માન-સન્માન, યશ-કીર્તિ, સત્તા-પદ આદિ તો મૃત્યુ સમયે નાશ પામશે અને હૈયામાં વૈરભાવ રહી જશે. જેના માટે અન્ય સાથે વેર બાંધ્યું, એ તો સર્વે નાશવંત છે અને તેથી વહેલા મોડા નાશ પામશે. પરંતુ હૈયામાં રહી ગયેલું વૈર શાશ્વત આત્માને જરૂર શાશ્વતધામ (મોક્ષ) થી દૂર રાખશે. આથી હૈયામાં વેરભાવ રાખીને આભવ-પરભવ બગાડવાની જરૂર નથી. મૈત્રીભાવનાને ધારણ કરી હૈયાને શાંત કરવું એ જ આત્મહિતનો અને જીવનશાંતિનો ઉત્તમ માર્ગ છે.