________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન આ ભાવનામાં વારંવાર ભાવવાની છે. મૈત્રીભાવનાના ભાવકની કેવી ભવ્ય ભાવના હોય, તેને વર્ણવતાં “શાંતસુધારસ' ગ્રંથમાં કહ્યું છે કે, एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् / बोधिं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् // 13-7 // य रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः / सर्वे-ऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु // 13-8 // - (હે આત્મન્ ! તું એવી ભવ્ય ભાવના રાખ કે,) એકેન્દ્રિયાદિ જીવો પણ પંચેન્દ્રિયપણું વગેરે વિશિષ્ટ સામગ્રી પામી બોધિરત્નને સારી રીતે આરાધી ભવભ્રમણના ભયથી ક્યારે વિરામ પામશે ? મન-વચન-કાયાનો દ્રોહ કરનારા (મન-વચન-કાયાને પાપ માર્ગે લઈ જઈ જીવોને દુઃખ આપનારા) રાગ અને દ્વેષ વગેરે (જીવોના) દોષો શાંત થાઓ. સર્વ જીવો ઉદાસીનતાના-સમતાભાવના રસનું પાન કરો અને સર્વ જીવો સર્વત્ર સુખી થાઓ ! (મૈત્રીભાવનાનો ભાવક આવી ભાવના ભાવે અથવા મને આવા ભવ્ય ભાવો પ્રગટે તેવી અભિલાષા સેવે) મૈત્રીભાવનાનું વાસ્તવિક સ્વરૂપ : જગતના જીવોનું આત્યન્તિક અને એકાન્તિક હિત જેમાં હોય, તેવી વસ્તુઓની પ્રાપ્તિ તે જીવોને થાય, એવું ચિંતવન કરવું એ મૈત્રી ભાવનાનું સાચું સ્વરૂપ છે. જ્યારે જીવો પાપથી મુક્ત થાય, દુઃખોથી સર્વથા મુક્ત થાય, સંસારથી મુક્ત થાય અને મોક્ષ પ્રાપ્ત કરે, ત્યારે તેઓનું એકાન્તિક અને આત્યંતિક હિત થાય છે. અંતિમ કક્ષાનું હિત મોક્ષમાં છે. ત્યાં જ સર્વદુઃખોનો અંત આવે છે. દુઃખોનું આગમન પાપોથી થાય છે. તેથી પાપોની મુક્તિ થવી એ પ્રધાન હિત છે. પાપ નાશ પામે તો દુઃખ નાશ પામે અને સંસાર નાશ પામે તો મોક્ષ પ્રાપ્ત થાય. જ્યાં સુધી પાપ-સંસાર નાશ ન પામે ત્યાં સુધી દુઃખદ સંસાર પરિભ્રમણનો અંત આવવાનો નથી અને મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. આથી સૌથી પ્રથમ સર્વજીવો પાપોથી મુક્ત થાય તેવું ચિંતવવાનું છે.