________________ 96 ભાવનામૃતા મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - અવિવેકી ગુરુઓ જીવોને ઉન્માર્ગ તરફ ધકેલીને હિતના બદલે અહિત કરે છે, તે અહિત પણ એક ભવનું નહીં, પણ ભવોભવનું હોય છે. આથી કુગુરુઓના ફંદામાંથી જગતના જીવોને છોડાવવા એ પણ પરમ કરુણાભાવના છે. $ દુઃખના કાયમી ઉકેલની ભાવના જ શ્રેયસ્કરી છેઃ કરુણાભાવનાના પરિપ્રેક્ષ્યમાં એક અગત્યનો ખુલાસો એ છે કે, જગતના જીવોના દુઃખનો કાયમી ઉકેલ આવે એવી ઉચ્ચતમ કરુણા ભાવના જ શ્રેયસ્કરી છે અને દુઃખોનો કાયમી ઉકેલ એકમાત્ર મોક્ષમાં આવે છે અને મોક્ષની પ્રાપ્તિ સન્માર્ગની = મોક્ષમાર્ગની આરાધનાથી થાય છે. આથી જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય અને જીવો વહેલામાં વહેલા મોક્ષને પામે એવી સદ્ભાવના એ ઊંચામાં ઊંચી કરુણા ભાવના છે. તારક તીર્થકરો પૂર્વના ત્રીજા ભવે આવી જ ભાવના ભાવે છે. હવે આ ભાવનામાં જે રીતે પરિશીલન કરવાનું છે તેની શૈલી જોઈશું. કરુણાભાવનામાં પરિશીલનની શૈલી : - સજ્જનો! શરણાગત જીવો ઉપર નિષ્કારણ કરુણા કરનાર ભગવંતને તમે આનંદથી ભજો ! જેથી તમારા તમામ દુઃખોનો અંત આવે અને મોક્ષની પ્રાપ્તિ થાય. સજ્જનો ! તમે ક્ષણવાર મનને સ્થિર કરીને જિનાગમરૂપી અમૃતનું પાન કરો અને ઉન્માર્ગની રચનાથી વિકૃત વિચારવાળા અસાર આગમો (કુશાસ્ત્રો) નો પરિહાર કરો ! જેથી તમને સન્માર્ગની પ્રાપ્તિ થાય અને તમે ઉન્માર્ગના ફંદામાં ફસાઈ ન જાવ ! - હે સજ્જનો ! જે મતિમંદ-મુગ્ધ જીવોને સંસારમાં રઝળાવે છે-ભ્રમમાં નાખે છે, તેવા હિતાહિતને ન સમજનારા અવિવેકી ગુરુનો પરિહાર જ કરવો જોઈએ અને સદ્ગુરુ મહાત્માના વચનોનું નિરંતર પાન કરવું જોઈએ. એનાથી પરમ આનંદની પ્રાપ્તિ થશે.