________________
જૈન પત્રકારત્વ
જનતા પણ તેમાં જોડાઈ હતી. સમગ્ર આંદોલનને ઇન્દુભાઈ યાજ્ઞિક, પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ, શેઠ રતિલાલ ખુશાલદાસ, હરિહર ખંભોળજા, જયંતી દલાલ વગેરેએ નેતૃત્વ પૂરું પાડયું હતું.
આંદોલનમાં કચ્છનો ફાળો
મહાગુજરાત આંદોલન અમદાવાદમાં શરૂ થયું. તેનો ઝડપી પ્રભાવ તેની આસપાસના વિસ્તારોમાં પડચો. સુરત, ભરૂચ, વડોદરા, મહેસાણા વગેરે જિલ્લાઓમાં તેની વીજળી જેવી અસર પડી. ત્યાં પણ સ્વયંભૂ આંદોલનો શરૂ થયાં. દૂરના જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તુલનાત્મક રીતે તેની ઓછી અસર રહી. આનું કારણ એ માની શકાય કે ભારત સહિત સમગ્ર ગુજરાતમાં સર્વત્ર કૉંગ્રેસ સરકારો જ હતી અને કૉંગ્રેસે તો દ્વિભાષી મુંબઈ રાજ્ય રચનાનો ઠરાવ ચૂપચાપ સ્વીકારી લીધો હતો. એટલે તેના તરફથી તો ટેકો મળવો અસંભવ હતો. જે કોઈ મહત્ત્વના નેતાઓ હતા તે તો કૉંગ્રેસના હતા, જે આ આંદોલનને ટેકો ન જ આપે, અને જાતે પણ તેમાં ભાગ ન લે. ગુજરાતમાં હજી વિરોધ પક્ષ ઊભો થયો ન હતો તેથી આંદોલનનું સુકાન લેનાર નેતાઓ બહુ ઓછા હતા. તેથી પ્રસાર ઓછો રહ્યો હશે પણ અમદાવાદમાં પરિસ્થિતિ જુદી હતી. અહીં તો ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રબોધ રાવળ, દિનકર મહેતા, જયંતી દલાલ જેવા કૉંગ્રેસના પ્રખર ટીકાકારો હતા, જે નેતૃત્વ સંભાળી શકે તેવા હતા અને સંભાળ્યું પણ. તો સાથે ત્યાં ગુજરાત યુનિવર્સિટી હોવાથી વિદ્યાર્થીઓનો પૂરો ટેકો મળ્યો. એટલું જ નહીં પણ હરિહર ખંભોળજા જેવા વિદ્યાર્થી નેતાઓ મળ્યા જેમણે સ્વસ્થ સંચાલન કરી બતાવ્યું. અન્ય જિલ્લાઓમાં આ બાબતની ગેરહાજરી કામ કરી ગઈ. એટલે જ્યાં પણ આંદોલન થયું ત્યાં અમદાવાદની નેતાગીરીએ ખાસ કરીને ઇન્દુચાચાના પ્રભાવે કામ કરેલ. કચ્છમાં પણ એમ જ બનેલ. મહદ અંશે કચ્છ શાંત અને નિષ્ક્રિય પ્રદેશ રહ્યો છે. રણ અને દરિયાથી અન્ય પ્રદેશોથી અલગ પડેલ હોવાથી તથા ત્યારે ઝડપી વાહનવ્યવહારના અભાવે બહારના પ્રભાવોની અસર કચ્છમાં ઓછી અનુભવાતી. એટલે સામાન્ય સંયોગોમાં કચ્છ પણ આ આંદોલનથી અળગું રહ્યું હોત, પરંતુ ત્યારે કચ્છમાં એક યુવા નેતા આ પ્રભાવ ઝીલવા સક્ષમ બન્યા હતા, તે હતા પ્રાણલાલ શાહ. તરુણાવસ્થાથી તેમણે વિવિધ ચળવળમાં નેતૃત્વ લીધેલ.
૫૪