________________
જૈન પત્રકારત્વ
માલિકીપણાનો હક્ક જોતો નથી. ચાની દુકાને કામ કરનાર ચાવાળાને એનો માલિક કહે કે ભેળસેળવાળી ચાની ભૂકીનો ઉપયોગ કરીને ચા બનાવજે. ત્યારે ધર્મભાવના ધરાવતો એ ચાવાળો હિંમતભેર કહેશે કે ભલે મારી નોકરી જાય, પણ હું આવી ચા નહીં બનાવું !
બરાબર એ જ રીતે જૈન પત્રકાર ખુમારીથી પાતાનાં મૂલ્યો માટે ખપી જવાની તૈયારી રાખશે. આજના સમયમાં “એક્ટિવિસ્ટ” પત્રકારોનો મહિમા છે. માત્ર કલમથી નહિ પણ સક્રિય રીતે એ પ્રશ્નમાં જોડાઈને જાગૃતિની જેહાદ સર્જે છે. વીર નર્મદ એનાં ‘ડાંડિયો’ દ્વારા સમાજસુધારાની જેહાદ જગાવી અને પોતાના અંગત જીવનમાં પણ સુધારા કરી બતાવ્યા. કરસનદાસ મૂળજીએ ‘“સત્ય પ્રકાશ’’માં સામાજિક સુધારાની હિમાયત કરી અને એને માટે વખત આવે આપત્તિઓ સહન કરી સૌરાષ્ટ્રનાં અઢીસો જેટલાં દેશી રાજ્યોની દબાયેલી પ્રજાને જાગૃત કરવા માટે શ્રી અમૃતલાલ શેઠે “સૌરાષ્ટ્ર” પત્રોનો પ્રારંભ કરતાં લખ્યું :
“એ વર્તમાનપત્રો આજની કાળી શાહીથી નહીં લખાય, એ તો લખાશે અમારા લોહીની લાલ શાહીથી. એમાં દુ:ખના, વેદનાના, બળવાના પોકારથી ધરતી ધણધણી ઊઠશે. રાજાઆનાં દિલ થરથરશે અને એમનાં સિંહાસનો ડોલવા માંડશે. પ્રજાકલ્યાણના નવા યજ્ઞો અમે વર્તમાનપત્રોનાં કાર્યાલયોમાં માંડીશું.'’
શ્રી અમૃતલાલ શેઠે દેશી રજવાડાંઓમાં રાજાઓની જોહુકમી અને પ્રજાના શોષણનો ચિતાર મેળવવા જાનની બાજી લગાવી હતી. વેશ બદલીને છેક રજવાડાંઓના અંત:પુર સુધી પહોંચીને તેઓ સાચી હકીકતો મેળવી લાવતા હતા. શ્રી અમૃતલાલ શેઠ, શ્રી સામળદાસ ગાંધી અને શ્રી કકલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્રની પ્રજાની જનજાગૃતિ માટે અખબારો શરૂ કર્યાં અને સક્રિય રીતે સત્યને પડખે ઊભા રહ્યા. આજે અરુણ શૌરી જેવા પત્રકારો કલમથી વિરોધ પ્રગટ કરે છે અને પછી એ પ્રશ્નોનો ભોગ બનનારાઓને કલમથી સાથ પણ આપે છે. જૈન પત્રકાર પાસે આવી સક્રિયતા કે ક્રિયાશીલતા હોવી જોઈએ. પત્રકારત્વ વ્રત બનવું જોઈઅ, વૃત્તિ નહીં. એણે પોતાની કલમથી અનિષ્ટોને પ્રગટ કરવાનાં છે અને પોતાના પુરુષાર્થથી એને દેશવટો આપવાનો છે. આવા પત્રકારે અંધ રૂઢિચુસ્તોનો કે સંકુચિત સંપ્રદાયવાદીઓનો સામનો કરવા માટે નૈતિક હિંમત દાખવવી જોઈએ.
30