________________
જૈન પત્રકારત્વ
મુનશી, વિજયરાય વૈદ્ય, તખ્તસિંહ પરમાર, પંડિત જિનવિજયજી, પંડિત સુખલાલજી, બેરિસ્ટર નૃસિંહ વિભાકર જેવા અનેક ગદ્યસ્વામીઓએ વાડીલાલને બિરદાવ્યા છે.
મુનિશ્રી સંતબાલજીએ સ્થાનકવાસી જૈન ધર્મની સમાચારીને અનુસરીને કવિવર્ય મુનિશ્રી નાનચંદજી મહારાજના શિષ્ય તરીકે ‘શ્રી આચારાંગ સૂત્ર’નું ગુજરાતી અનુવાદન સંવત ૧૯૯૨માં પ્રગટાવતી વખતે તેમની પ્રસ્તાવનારૂપ ‘ક્રાન્તિમય કવન અને તેજછાયા'માં જૈન ઇતિહાસનાં પાંચ સુવર્ણ પાત્રોનો પરિચય આપ્યો હતો, જેમાંના પહેલા ચાર એટલે શ્રીમાન કુંદકુંદાચાર્ય, ધર્મપ્રાણ લોંકાશાહ, યોગીશ્વર આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્ર અને ‘પાંચમું સુવર્ણપાત્ર’ શ્રીયુત વાડીલાલ મોતીલાલ શાહ. વાડીલાલ એટલે સમાજનો જ્વલંત દીપક, સમાજ રચવાની ભવ્ય કલ્પનાઓમાં સ્વતંત્ર વિહરનારો વિહંગમ. એમનું તત્ત્વજ્ઞાન સાગરસમું ઊંડું, છતાં એમની કલમ તીખી ને તમતમતી. એના મનોરથો દિવ્ય. છતાં કઠણ પ્રણાલિકાભેદે એ સાહિત્યમાં આજે પણ એવું જ કંઇક અગમ્ય કથે છે. એ હતો કર્યજીવી મરજીવો, તોય અકથ્ય વેદના ઠાલવી વિદાય થયો.’ (પૃ. ૩૨-૩૩) (વા. મો. શાહનો જીવનસંદેશ’ – સંપાદક: ત્રિભુવન વીરજી હેમાણી, પૃ. ૨૪). તો પંડિત લાલને વાડીલાલને આંગ્લ પત્રકાર મિ. સ્ટેડ સાથે સરખાવતાં એક પત્રમાં લખ્યું છે કે -
.....' You are a 'Stead' of our community - Stead who made an era in journalism. He sacrificed millions for the sake of principle; you do the same for an unappreciating Community. I wish the Jain journalists will follow your footsteps.' (વા. મો. શાહનો જીવનસંદેશ’ - પૃ. ૨૦૭). વાડીલાલ જિંદગીભર સુધારક બનવાને નિમિત્તે પત્રકાર બની રહ્યા પણ સાથેસાથે સમર્થ ગદ્યકાર અને શબ્દસ્વામી હતા જેથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એમની ઓજસવંતી ગદ્યશૈલીની નોંધ લીધા વિના ચાલશે નહીં.
૧૯૨