________________
જૈન પત્રકારત્વ
શ્રી મુલતાનચંદજી મહારાજ પ્રત્યે એમને ઊંચો આદર હતો. એમણે એમને બીજા દયાનંદ સરસ્વતી તરીકે ઓળખાવ્યા હતા અને એમના સ્વર્ગવાસના સમાચાર પ્રાપ્ત થયા ત્યારે ‘જૈન સમાચાર’ તા. ૪ જુલાઈ ૧૯૧૦નો ખાસ અંક સોનેરી શાહીથી છાપીને એમને અદ્વિતીય અંજલિ આપી હતી. નાના-મોટા બીજા કોઈપણ સમાચારને એ અંકમાં સ્થાન આપ્યું નહોતું. આવા જ બીજા શતાવધાની મુનિવર શ્રી રત્નચંદ્રજી મહારાજ માટે એમને ઘણો ઊંચો અભિપ્રાય હતો, તો એક મારવાડી સાધુવર ચોથમલજી મહારાજથી પણ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. મુનિશ્રી નાનચંદજીનાં લખાણો અને કાવ્યો તો ‘જૈન સમાચાર’માં અવારનવાર પ્રગટ થયાં હતાં. શ્રી ત્રિભુવન વીરજી હેમાણીએ ‘વા. મો. શાહની તત્ત્વકથાઓ'નું સંપાદન ૧૯૬૦માં કર્યું ત્યારે એ ગ્રંથના ઉપોદ્ઘાતમાં પંડિતરત્ન શ્રી નાનચંદજી મહારાજે લખ્યું છે કે, ‘વા.મો. શાહના સાહિત્ય પ્રત્યે હું શા માટે આકર્ષાયો ?' અને નોંધ્યું છે કે, - ‘સ્વ. વાડીલાલનું જીવનકાર્ય હતું : (૧) ‘સત્ય’ને બહાર લાવવાનું (૨) જીવનવિકાસના અવરોધક બળોનો સામનો કરવાનું (૩) શ્રીમંતશાહીને ખુલ્લી પાડવાનું અને (૪) અંધશ્રદ્ધાનો ભોગ બનેલી ભદ્ર જનતા ઉપર સંપ્રદાયવાદની પકડથી પોતાના સ્થાપિત હકો ભોગવતી સાધુસંસ્થાને પડકારવાનું. ઊંડા મનન-ચિંતનને પરિણામે ‘સત્ય’ શોધી, તેને નગ્ન સ્વરૂપે સમાજ પાસે રજૂ કરવું એ કપરું કાર્ય છે. એ તો જેને અનુભવ થયો હોય તે જ જાણે’. શ્રીમંતશાહીને ખુલ્લી પાડવા જતાં તેમજ નૈતિક હિંમતથી સાધુસંસ્થાઓને પડકારવા જતાં એને કેવા કડવા અનુભવો થયા છે એનો પ્રત્યાઘાત એનાં લખાણોમાં વારંવાર પડ્યો છે. એવાં કાર્યો એકલે હાથે - કોઈના પણ પીઠબળ વગર કર્યે જવાં એ કંઈ નાનીસૂની વાત ન હતી.' સમાજના સ્તંભરૂપ સાધુઓના દોષો કે ભૂલો જોવા કરતાં એમના સદ્ગુણો અને સત્કાર્યોને જ અવલોકવાં એમ વાડીલાલ માનતા હતા કારણ કે તે સમયમાં મુનિઓના દોષ જાહેર કરવા એ મહાઅનર્થ કહેવાતો હતો. બીજું ધર્મ પ્રત્યે અત્યંત આદર, સંપૂર્ણ શ્રદ્ધા અને ઊંડું જ્ઞાન તેઓ ધરાવતા હતા તેથી સાધુઓ વિરુદ્ધ કંઈ પણ કહેવામાં કેટલું જોખમ છે એ પણ તેઓ સુપેરે જાણતા હતા. ‘જગતને કોપાવ્યું સારું પણ એક સાધુને કોપાવ્યામાં બહુ ભય છે’ (‘જૈન સમાચાર’-૬ જૂન, ૧૯૧૦, પૃ. ૩)
૧૮૪