________________
જૈન પત્રકારત્વ
પત્રકાર વા. મો.શાહનું પ્રદાન
-
- ડૉ. સુધા નિરંજન પંડચા
વડોદરાસ્થિત ડૉ. સુધાબહેને એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના આર્ટ્સ ફેકલ્ટિના ગુજરાતી વિભાગના વડા તરીકે સેવાઓ આપેલ છે. જૈન સાહિત્ય સમારોહ અને જૈનસાહિત્ય જ્ઞાનસત્રોમાં અવારનવાર શોધનિબંધો પ્રસ્તુત કરે છે.
વા. મો. શાહ
‘એક પેપર ચલાવવું તે એક રાજ્ય ચલાવવા બરાબર છે. એમાં અનેક બાબતની પ્રવીણતા અને બાતમી મેળવવી પડે છે, કારણકે તંત્રીએ ઘણું વાંચવાનું હોય છે, ઘણું જોવાનું હોય છે, ઘણું વિચારવાનું હોય છે, ઘણું જાહેર કરવાનું હોય છે અને ઘણું કરી બતાવવાનું હોય છે.’ (‘જૈન હિતેચ્છુ’ - ૧૯૧૪ નવે. ડિસે. : પૃ. ૮ ૫) આવી નિસબત ધરાવતા પત્રકાર હતા વા. મો. શાહ.
સમાજસુધારણાના ધ્યેયને હાંસલ કરવા માધ્યમ તરીકે ‘જૈન હિતેચ્છુ’ માસિકપત્ર અને ‘જૈન સમાચાર' સાપ્તાહિક લગભગ એકલે હાથે ચલાવનાર વાડીલાલ મોતીલાલ શાહના વડીલો મૂળ અમદાવાદના શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંપ્રદાયને માનનારા દશાશ્રીમાળી વણિક હતા. સમય જતાં અમદાવાદથી પાંચેક કોશ દૂર આવેલા વિસલપુર ગામમાં તેઓ જઈ વસ્યા હતા. વાડીલાલના પિતા મોતીલાલ ધર્મતત્ત્વના અભ્યાસી હતા અને વ્યાપારી નીતિરીતિમાં પણ ઘણા કુશળ હતા તેથી આસપાસનાં ગામોમાં શાહકુટુંબની ખૂબ પ્રતિષ્ઠા હતી. સને ૧૯૭૭માં સાબરમતી નદીમાં આવેલાં પ્રચંડ પૂરમાં ઘણાં ગામો તણાઈ ગયાં હતાં એમાંનું વિસલપુર એક હતું. આવા કપરા સંજોગોમાં ૧૮૭૮ના જુલાઈની અગિયારમી તારીખે વાડીલાલનો જન્મ એમના મોસાળ વિરમગામમાં થયો હતો. કૌટુંબિક આર્થિક કટોકટીને કારણે એમનો બાલ્યકાળ અને અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસકાળ વિરમગામમાં જ વિત્યો હતો તેથી પિતા સાથે રહેવાનો લાભ એમને ઘણો ઓછો મળ્યો હતો.
૧૭૬