________________
જૈન પત્રકારત્વ
ચીમનભાઈ ચકુભાઈ શાહ
કેતકી શરદ શાહ
-
(મુંબઈસ્થિત કેતકીબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે અને જૈન સાહિત્ય સમારોહ / સેમિનાર વગેરેમાં શોધનિબંધ પ્રસ્તુત કરે છે.)
ચીમનલાલ ચકુભાઈ શાહ
આદિકાળથી ‘વિચારવંત મનુષ્ય' સદા પૂછતો આવ્યો છે “આ જગત શું છે ? હું કોણ છું ? મારી અંતિમ ગતિ શી છે ? શાશ્વત સુખ અને શાંતિ શાથી મળે ?'' તત્ત્વજ્ઞો જ્ઞાનની ઉપાસના કરે છે. સંતપુરુષો અનુભવવાણી કહે છે. દાર્શનિક પ્રશ્નોમાં મતભેદ રહે છે. સંતપુરુષોની અનુભવવાણીમાં મોટા ભાગે એકરૂપતા હોય છે. તેમના સ્વરૂપની ભિન્નતા હોય છે. કેટલાંક ધર્મોતત્ત્વશોધનના અંતિમ પ્રશ્નો છોડી, અનુભવને પ્રધાનતા આપે છે. જૈન ધર્મમાં દર્શન અને અનુભવ બંને છે. અંતિમ પ્રશ્ન એ છે કે જીવનનું ધ્યેય શું ? શાશ્વત સુખ અને શાંતિ જ જો ધ્યેય હોય તો આ બધું દુ:ખ અને અશાંતિ શેને લીધે છે ? તેનું મૂળ શું છે ? આ પ્રશ્નો પર મુ. ચીમનભાઈ હંમેશાં વિચાર કરતા રહ્યા છે. તેમણે દુઃખને તટસ્થ રહીને જોવા પ્રયત્ન કર્યો છે. તેમણે અંગત જીવનમાં દુ:ખ નથી જોયું એમ કોઈ નહીં કહે, આર્થિક વિટંબણાઓ તેમને કદાચ નથી નડી, પણ સંસારવ્યવહારથી માંડી દેહ સાથેના ઋણાનુબંધમાં તેમણે કષ્ટનો બહોળો અનુભવ કર્યો છે. દુ:ખ પરનું તેમનું મનન એ રીતે સૂચક છે. સદ્ગત શ્રદ્ધેય ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૨ વર્ષના દીર્ઘજીવનમાં અનેક પાસાં હતાં.
શ્રી ચીમનલાલ એટલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાં એક ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સૉલિસિટર, અનેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્વચિંતક હતા.