________________
જૈન પત્રકારત્વ
માત્ર એક જ્ઞાતિપત્ર ન રહેતાં સર્વસામાન્ય લોકપ્રિય પાક્ષિક બન્યું.
આ પત્રમાં ધર્મ, સમાજ, આરોગ્ય, સંસ્કાર, સાહિત્યનાં વિવિધ સ્વરૂપો જેવાં કે નવલિકા, કાવ્યો, લલિત નિબંધ વગેરે વિવિધતાભર્યું સાહિત્ય પ્રગટ થતું. પ્રગટ થયેલાં નવા પુસ્તકોની સ્વીકારનોંધ પણ પ્રગટ થતી. પત્રિકામાં સંસ્થાના માનવરાહત, તબીબી રાહત વગેરે જનહિતનાં કાર્યો અને વિવિધ વિભાગોની જાણકારી ઉપરાંત વેવિશાળ યોગ્ય કન્યા-મુરતિયાની વિગતો પણ પ્રગટ થતી.
પત્રમાં કુરુઢિઓ અને અંધશ્રદ્ધા અને વ્યસનથી લોકોને મુક્ત કરવા અંગેનાં લખાણો પણ પ્રગટ થતાં.
૩૪ વર્ષના દીર્ઘકાળ દરમિયાન ‘દશા-શ્રીમાળી'ના તંત્રીપદેથી એવા કેટલાય પ્રસંગો ઉદ્ભવ્યા છે કે કોઈ બનાવ અંગે કે કોઈ સંસ્થા અંગે સીધી કે આડકતરી રીતે કંઈ લખવાની અને લાલબત્તી ધરવાની જરૂર પડી હોય, જ્યારે જ્યારે આવું લખવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેમના દ્વારા કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રતિ પૂર્વગ્રહથી લખાણ લખાયું નથી, પરંતુ એકમાત્ર સમાજહિતની દૃષ્ટિએ, સમાજનાં મૂલ્યો અને આદર્શો જળવાય રહે તે રીતે લખેલ છે.
સન ૧૯૮૩માં ‘દશા-શ્રીમાળી' પત્રમાં તેમની નિવૃત્તિ વેળાએ તેમનો છેલ્લો અગ્રલેખ ‘“મારું મનોમંથન - મનોમંથન અંતે આખરી નિર્ણય'' એ ચિંતનસભર લેખમાં તેમના હૃદય ધબકારનો સાચો પડઘો પાડે છે. આ વિચારો વર્તમાન સમાજિક કાર્યકરો અને પત્રકારો માટે દીવાદાંડીરૂપ છે. આ મનોમંથનનાં કેટલાંક અવતરણો.
‘છેલ્લાં ત્રણ વર્ષથી આ દિશામાં મારું મનોમંથન ચાલતું હતું. સૌ કાર્યકર અને વાચક બંધુના સ્નેહપાશમાં ચોક્કસ નિર્ણય લઈ શકતો ન હતો. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં મારું મનોમંથન ફરી શરૂ થયું અને આસો-વદ, અમાસ સુધીમાં સામાજિક ક્ષેત્રમાંથી નિવૃત્ત થવાનો આખરી નિર્ણય કરેલ છે. ગૃહસ્થાશ્રમની ફરજો અને જવાબદારીમાંથી નિવૃત્ત થયાને ઘણો સમય થયા. સામાજિક સેવા ક્ષેત્રે સેવા આપવાની પણ સમયમર્યાદા હોવી જોઈએ એમ મને ઘણા સમયથી લાગતું હતું.
૧૨૬