________________
જૈન પત્રકારત્વ
એપ્રિલ, ૧૯૫૩ સુધી રહ્યા. ત્યાર બાદ ‘પ્રબુદ્ધ જીવન’માં રૂપાંતર થતાં ૧૬મી એપ્રિલ, ૧૯૭૧ સુધી એમ ૨૦ વર્ષ સુધી તેઓએ તંત્રીપદ શોભાવ્યું. તેમના નેતૃત્વકાળ દરમિયાનના લેખોમાં સમાજજાગૃતિ તેમ જ સામાજિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય તે પ્રકારના લેખો વધુ જોવા મળે છે.
ગાંધીજીના અણુએ અણુથી પ્રભાવિત પરમાનંદજી કાપડિયાના લેખોમાં સામાજિક સમતુલતા અવશ્ય જોવા મળે છે. ગાંધીજીએ ભારતને આપેલી એક અણમોલ ભેટ ઉલી કાંચન: નિસર્ગોપચાર આશ્રમ વિશે એક વાચકનો સ્વાનુભાવ વાચકના જ શબ્દોમાં પરમાનંદજીએ અંકમાં સમાવ્યો છે. સાથે વાચકોને શારીરિક જાગૃતિ કેળવાય એવી અપીલ પણ કરી છે. દક્ષિણ આફ્રિકામાં સરકારના હિંદુઓ વિરુદ્ધના વર્તન સમયે ગાંધીજી અને ટોલ્સટોય વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. તે અમેરિકન લેખક લુઈ ફીશરે તેમના પુસ્તકમાં ‘ટોલ્સટોય અને ગાંધીજી’ના મથાળા હેઠળ લખ્યો હતો. આ લેખનો અનુવાદ કરી ગાંધીજીની સત્યનિષ્ઠતા, સહધર્મીઓ પ્રત્યેની સહહૃદયતાના ગુણને ઉજાગર કરવાનો પરમાનંદજીનો ઉદ્દેશ્ય નજરે પડે છે. ભારતભ્રમણ, માનવીય સમાનતા, બાળદીક્ષા વિરોધી જાહેરસભા, તેના વિષયક કાયદાઓ, લગ્ન-છૂટાછેડા અંગેના કાયદાઓ, ગાંધીજી, શ્રીમદ્ રાજચંદ્ર, કનૈયાલાલ મુનશી, શ્રી અરવિંદ જેવા વિવિધ મહાનુભાવો વિશે ચરિત્રાત્મક લેખોની ભેટ તેમણે વાચકોની ઝોળીમાં ધરી છે. જરૂર પડી હોય ત્યાં ટીકા પણ કરી છે. ‘જૈન સિદ્ધાંત’ નામક માસિકના કાર્યકમ રૂપે ‘જૈન દૃષ્ટિ એટલે વિશ્વદષ્ટિ' વિષય પર હરીફાઈ યોજવામાં આવી હતી. તેમાં ઈનામોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ હરીફાઈમાં માંડલવાસી રતિલાલ મફાભાઈ શાહે પણ ભાગ લીધો હતો. તેમનો નિબંધ ગહન અને ઉચ્ચ કોટીનો હોવા છતાં તેમને વિજેતાઓમાં સ્થાન આપવામાં નહોતું આવ્યું. તે બાબતે સંપૂણ' માહિતી સાથે અને વિજેતાઓના લેખ કેવા હતા એ જણાવી, ‘જૈન સિદ્ધાંત'ના તંત્રીએ આદરેલો અન્યાય ‘જૈન સિદ્ધાંત’ના તંત્રીની અક્ષમ્ય ધૃષ્ટતા’ના શીર્ષક હેઠળ પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ લેખમાં ‘જૈન સિદ્ધાંતો'ના તંત્રીની આકરી સમીક્ષા કરવામાં આવી છે, તે પણ નામ સહિત તેમ જ એ બાબતના દરેક પાસાંને ઉજાગર કરવામાં આવ્યું છે. આ સમીક્ષા પરમાનંદજીના શબ્દોમાં વાંચીએ...
૧૧૧