________________
‘અન્ય કોઈ પણ જિનોક્ત યોગમાં ઉપયોગવાળો આત્મા પ્રત્યેક સમયે અસંખ્ય ભવોના કર્મોને ખપાવે છે. જ્યારે સ્વાધ્યાય યોગમાં પ્રવર્તનાર તો એનાથી પણ સવિશેષ કર્મોને ખપાવે છે.'
‘હર કોઈ સાધુ યાવજ્જીવ અભિગ્રહપૂર્વક નવા-નવા જ્ઞાનને મેળવે, તેવી શક્તિ ન હોય તો પૂર્વે પ્રાપ્ત જ્ઞાનને પાકું કરે, તેવી પણ શક્તિ ન હોય તો અઢી હજાર નવકારમંત્રનો જાપ કરે. જે સાધુ આવું કરે તે સાધુ આરાધક છે. તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને ખપાવી તીર્થંકર અથવા ગણધર બનીને મોક્ષે જશે.’ આ બધી બાબતો મહાનિશીથ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક જેવા આગમશાસ્ત્રો અને ઉપદેશમાળા, ઉપદેશમાળાપુષ્પમાળા જેવા ગ્રંથોનાં પાઠો ટાંકી સ્વાધ્યાયનું મહત્ત્વ બતાવ્યું છે તો વળી જેઓ નિષ્કારણ સ્વાધ્યાય કરતા નથી તેને ઉદ્દેશીને કહ્યું છે કે,
‘જે હંમેશા તપ અને સંયમમાં પ્રયત્નવાળા હોવા છતાં સ્વાધ્યાય કરતા નથી, તે આળસુ અને સુખશીલિયાની સાધુપદે સ્થાપના નથી.’ એટલે તેમને સાધુ શી રીતે કહી શકાય ?
‘જે સાધુ યાવજ્જીવ અભિગ્રહપૂર્વક અહોરાત્રિના ચારેકાળ વાચનાદિ સ્વાધ્યાયને શક્તિ મુજબ કરતો નથી તે સાધુ કુશીલ જાણવો.'
જેમ સ્વાધ્યાય કરવાથી તો લાભ થાય છે, તેમ સ્વાધ્યાય સાંભળવાથી પણ લાભ થાય છે. તેમાં અવંતિસુકુમાર અને પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજના દૃષ્ટાંતનું સ્મરણ કરાવ્યું છે.
નમસ્કાર નામના સોળમા કર્તવ્યમાં : બે હાથ જોડી વિશુદ્ધ ભાવથી, ઉપયોગપૂર્વક, મન-વચન-કાયાથી નમવું, સમર્પણ કરવું તેને નમસ્કાર કહેવાય છે. આવો નમસ્કાર અરિહંત ૫૨માત્માઓને ક૨વાથી મુક્તિમાર્ગની પ્રાપ્તિ સુલભ થાય છે, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવાથી શાશ્વતસુખની પ્રાપ્તિ સુલભ થાય છે, આચાર્ય ભગવંતોને નમસ્કા૨ ક૨વાથી જ્ઞાનાદિ પંચાચારની પ્રાપ્તિ સુલભ થાય છે, ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરવાથી વિનય ગુણની પ્રાપ્તિ સુલભ થાય છે અને સાધુ ભગવંતોને નમસ્કાર કરવાથી મોક્ષમાર્ગમાં સહાયની પ્રાપ્તિ સુલભ થાય છે.
આ કર્તવ્યમાં નમસ્કાર મહામંત્રની અપૂર્વ કલ્પવૃક્ષ, અપૂર્વ ચિંતામણિ જેવી વિવિધ ઉપમાઓ બતાવી એકાદ પદ ગણવાથી પણ કેટલો લાભ થાય છે, કેટલાં કર્મો ક્ષય થાય છે, જન્મતાં જ નમસ્કાર સાંભળતાં કેવી ઋદ્ધિ પ્રાપ્ત થાય છે,પિશાચાદિ કેવા-કેવા ભયો ટળે છે, વગેરે વર્ણન દ્વારા નમસ્કાર મહામંત્રનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે.
કાર્યના પ્રારંભમાં વસ્ત્રસ્ખલનાદિ અપશુકન થાય તો તેના નાશ માટે ક્યારે કેટલા નવકાર ગણવા તે વ્યવહા૨ સૂત્ર જેવા છેદ-સૂત્ર દ્વારા જણાવી નવકારની વિધવિધ પ્રકારે ઉપયોગિતા પણ જણાવી છે.
એક લાખ નવકાર વિધિપૂર્વક ગણવાથી પગલે-પગલે સંપદાઓથી માંડી યાવત્ તીર્થંકર નામકર્મનો બંધ થાય છે એમ વર્ણન કરી એક લાખ નવકાર ગણવાની વિધિ બતાવી, તેના સંદર્ભમાં શ્રીદેવની કથા પણ બતાવી છે. આગળ વધીને અરિહંત પરમાત્માઓ કેવી રીતે ભવ અટવીમાં ભમતા જીવો માટે ભોમિયારૂપ છે, સંસાર સમુદ્રમાં ડુબતા જીવો માટે નિર્યામક છે વગેરે બાબતો, સિદ્ધ ભગવંતોને કેટલું સુખ હોય છે, તે ઉપમાથી અને વચનથી વર્ણવવું પણ કેવી રીતે દુશક્ય છે, ભાવાચાર્ય કોને કહેવાય, ઉપાધ્યાય પદનો શું અર્થ થાય છે, સાધુ ભગવંતો કેવા સાધકોને સહાય કરવામાં ઉદ્યત હોય છે વગેરે વર્ણન કરી આ પાંચે ૫૨મેષ્ઠિને કરેલા નમસ્કારથી બોધિલાભ વગેરે કયા-કયા પારમાર્થિક લાભો થાય છે તે જણાવ્યું છે.
28