________________
તપ નામનાં તેરમા કર્તવ્યમાં : જીવનમાં તપની અનિવાર્યતા બતાવતાં કહ્યું, આ જ ભવમાં મારો મોક્ષ છે એવું જાણનારા તીર્થકરો પણ જો ઘોર તપ તપે છે તો ઘણાં કર્મો ધારણ કરનાર વર્તમાનના જીવોએ તો અવશ્ય તપ કરવો જોઈએ, અત્યાર સુધીમાં જીવે કેટલો આહાર કર્યો, કેટલું પાણી પીધું, કેટલું માતાનું સ્તનપાન કર્યું વગેરે બાબતોનું અદ્દભુત વર્ણન કરી તપની આવશ્યકતા બતાવી છે. સાથોસાથ શ્રાવકોને રાત્રે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવા ઉપદેશ આપ્યો છે.
તપથી અસાધ્ય કાર્ય પણ સાધ્ય થાય છે, દુરારાધ્ય કાર્ય પણ આરાધ્ય બને છે, કષાયતાપનો નાશ થાય છે, દેવો પણ સાનિધ્ય કરે છે વગેરે તપનું ફળ બતાવી અનલ્પવર્યવાળા તપના વિષયમાં ઉદ્યમ છોડવો નહીં એમ તપ કર્તવ્ય ઉપર અહીં સારો ભાર મુકાયો છે.
તપ એ વિરતિ રૂપ છે અને વિરતિ મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે તેથી વિરતિરૂપ તપ નિરંતર કરતા રહેવું.
અગ્નિથી જેમ સુવર્ણ શુદ્ધ થાય તેમ તપથી આત્મા શુદ્ધ થાય છે. તામલી તાપસ પણ ઈશાન ઈન્દ્રપણું પામ્યા તેમાં તપનો જ પ્રભાવ છે વગેરે બાબતો વર્ણવી વીરપ્રભુએ કેટલો તપ કર્યો હતો અને તેમની જેમ કરાયેલો તપ નિર્જરા અને મોક્ષ માટે થાય છે એવું નિરૂપણ કર્યું છે. અંતે હરિકેશબલ ઋષિનું દૃષ્ટાંત બતાવી તપનો પ્રભાવ બતાવાયો છે.
ભાવ નામના ચૌદમા કર્તવ્યમાં : ઘણું ધન આપ્યું, સઘળું જિનવચન અભ્યસ્ત કર્યું, અનેક ક્રિયાકાંડ કર્યા, વારંવાર પૃથ્વીને શય્યા કરી, તીવ્ર તપ તપ્યો દીર્ઘકાળ ચારિત્ર પાળ્યું પણ ચિત્તમાં ભાવ ધર્મ ન હતો એટલે ફોતરાં વાવવાની જેમ સર્વ નિષ્ફળ ગયું - એમ જણાવી ભાવની મહત્તા સ્થાપી છે. | વિશ્વ લક્ષ્મીને વશ કરવા મૂળ જેવો, વિષયરતિરૂપી શાકિનીથી મુક્ત થવા મહામંત્ર જેવો, કલ્યાણરૂપી કમળ માટે વાવડી જેવો, વૈરાગ્યને ખેંચી લાવનારી વિદ્યા જેવો અને કેવળજ્ઞાન સાથે ઐકયભાવ પામેલો ભાવધર્મ જ જગતમાં જય પામે છે.
જેમ લવણથી રસવતી સુસ્વાદુ બને છે. તેમ ભાવધર્મથી જ સઘળાય ધર્મો સફળ બને છે.
ભાવહીન ઘણું દાન આપનાર એક પણ કર્યો નથી. જ્યારે એક માત્ર ભાવધર્મનું સાનિધ્ય પામનારા ઘણા તર્યા છે, શિવસુખ પામ્યા છે વગેરે બાબતો વિવિધ શ્લોકો દ્વારા વર્ણવી ભાવપૂર્વક કરાયેલો ધર્મ જ ફળવાન બને છે. તેનું મજબૂતાઈથી પ્રતિપાદન કર્યું છે. કરકંડુ અને ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત બતાવી તે વાતને સમર્થન આપ્યું છે. વળી આગળ જણાવ્યું છે કે,
અત્યાર સુધી દ્રવ્યપૂજા, દ્રવ્યસ્તવ, દ્રવ્યદાનાદિ, દ્રવ્ય પ્રત્યાખ્યાન, દ્રવ્ય શ્રાવકપણું અને દ્રવ્ય સાધુપણું તો જીવે ઘણીવાર પ્રાપ્ત કર્યું. પણ ભાવ વગર મોક્ષની પ્રાપ્તિ થઈ નહિ માટે મોક્ષનું પ્રધાન કારણ ભાવ જ છે. સ્વાધ્યાય નામના પંદરમા કર્તવ્યમાં સ્વાધ્યાયના લાભ જણાવતા કહ્યું છે કે,
સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાનની પ્રાપ્તિ થાય છે, સ્વાધ્યાયથી દરેક વસ્તુનો પરમાર્થ પ્રાપ્ત થાય છે; સ્વાધ્યાયમાં વર્તતો આત્મા ક્ષણે-ક્ષણે વૈરાગ્યને પામે છે.”
‘ઊર્ધ્વલોક, અધોલોક, તિર્યંચ, નરક, જ્યોતિષ અને વૈમાનિક દેવલોકના અતિશયો, સઘળોય લોક અને અલોક સ્વાધ્યાય કરનારને પ્રત્યક્ષ જેવો છે.'
27