________________
નવકારનો લાભ જણાવતાં રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણજી, સુગ્રીવ અને રાવણના પૂર્વભવો પણ વર્ણવ્યા છે. આ મહામંત્રથી આ લોકમાં અર્થ-કામ અને આરોગ્યની પ્રાપ્તિ તો થાય જ છે, પરલોકમાં સુકુળ, સ્વર્ગ અને સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે.
સજ્જન પુરુષો પોતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી સિદ્ધિઓ અને લબ્ધિઓ બીજાના ઉપકાર માટે જ વાપરતા હોય છે. એટલું જ નહિ સ્વભાવથી જ ઉત્તમ સજ્જનો પરોપકાર કરીને પ્રત્યુપકાર ઈચ્છતા પણ નથી.
પરોપકાર નામના સત્તરમા કર્તવ્યમાં એકેન્દ્રિય જીવો પણ કેવી રીતે પરોપકાર કરે છે અને પરોપકાર કરનારની કેવી રીતે ગુણોત્કીર્તન થાય છે. તે બતાવી પરોપકારના પ્રકારો જણાવતાં કહ્યું, સમવસરણમાં બેસી તીર્થકર ભગવંતોએ પ્રથમ-અંતિમ પ્રહરમાં દેશના આપી, સર્વ તીર્થકર ભગવંતોએ ગણધર ભગવંતોને ત્રિપદીનું દાન કર્યું, ગણધર ભગવંતોએ ત્રિપદીનો સ્વીકાર કરી દ્વાદશાંગીની રચના કરી, ગૌતમ મહારાજાએ અષ્ટાપદની યાત્રા કર્યા પછી પંદરસો તાપસોને પ્રતિબોધ કર્યો, હાલિક ખેડૂતને પ્રતિબોધ કર્યો, એક અશ્વને બોધ પમાડવા માટે શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેવળજ્ઞાન પછી એક જ રાત્રિમાં સાઈઠ યોજન વિહાર કર્યો. વિરપ્રભુએ અંતિમ સમવસરણમાં સોળ પ્રહરની દેશના આપી, પૂર્વાચાર્યોએ પણ સેંકડો આગમો-ક્ષેત્રસમાસકર્મગ્રંથાદિ પ્રકરણો અને તેમાં સહાયક બને તેવા સાહિત્ય-તર્ક-જ્યોતિષ અને સિદ્ધાંતને અનુસારના બીજા પણ ગ્રંથો રચ્યા. એમાં પરોપકાર જ મુખ્ય છે.
ધર્માચાર્યો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનો ઉપદેશ આપે છે અને ભવ્ય જીવોને ધર્મમાં સ્થાપે છે, સ્થિર કરે છે. તેમાં ય પરોપકારનો જ પ્રભાવ છે.
‘પરોપકાર સુકૃતનું મૂળ છે, પરોપકાર લક્ષ્મીનું વસ્ત્ર છે. પરોપકાર પ્રભુતા છે, પરોપકાર વિધાતા છે અને પરોપકાર શિવસુખના દાતા છે.” આ રીતે પરોપકારનું સ્વરૂપ વર્ણવી પરોપકારમાં નિરત શ્રી કૃષ્ણ વાસુદેવ અને પૂ.આ.શ્રી. હરિભદ્રસૂરિજી અને પૂ.શ્રી સિદ્ધર્ષિગણિનું દૃષ્ટાંત આપ્યું છે.
જયણા નામનું અઢારમું કર્તવ્ય જણાવતા કહ્યું, યતનાને જ પ્રાકૃતમાં જયણા કહે છે. પોતાની શક્તિ અનુરૂપ અકથ્યનો ત્યાગ કરવો, પૃથ્વી આદિ ષકાય જીવોની હિંસાનો ત્યાગ કરવો, નિરતિચાર સંયમનું પાલન કરવું અને ઈર્ષા સમિતિ વગેરે સમિતિથી ગમનાગમનાદિ ક્રિયા કરવી તેને યતના કહેવાય છે. કાળની હાનિથી સંયમ યોગ્ય ક્ષેત્રો ન હોવાથી વધારે યતના પૂર્વક વર્તવાનો આ કર્તવ્યમાં ભાર મુક્યો છે.
સાધુ ભગવંતોને આશ્રયીને પ્રતિલેખનમાં કેટલી યતના રાખવી, કઈ અયતનાઓનો ત્યાગ કરવો અને સમિતિ-કષાય-ગારવ-ઈન્દ્રિય-મદ-બ્રહ્મચર્યની ગુપ્તિઓના પાલનમાં, સ્વાધ્યાય, વિનય અને તપમાં યથાશક્તિ યતના કરવા ઓઘનિર્યુક્તિ અને ઉપદેશમાળા ગ્રંથના આધારે ઉપદેશ આપ્યો છે. શ્રાવકને આશ્રયીને પણ ઉપદેશમાળાના સત્તર શ્લોકો દ્વારા વિસ્તારથી આરાધના સ્વરૂપ યતના બતાવી છે.
જિનપૂજા નામના ઓગણીસમાં કર્તવ્યમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, પુષ્પાદિ પૂજા તે દ્રવ્યસ્તવ છે અને સદ્ગુણોનું કીર્તન તે ભાવસ્તવ છે. ઉગ્ર વિહારતા, સંયમ પાલન રૂપ ભાવસ્તવની મહત્તા બતાવતાં કહ્યું કે, કંચન મણિના પગથિયાથી યુક્ત, હજારો સ્તંભવાળા, સુવર્ણના તળિયાવાળા જિનગૃહ (દેરાસરો) કરાવવાથી પણ તપ-સંયમનું પાલન અધિક લાભદાયી છે.
ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધનાથી આત્મા વધારેમાં વધારે અય્યત દેવલોક સુધી જાય છે. જ્યારે ભાવસ્તવને આરાધનાર અંતમુહૂર્તમાં જ નિર્વાણપદને પામે છે. આમ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે સરસવ-મેરુ જેટલું અંતર છે.
29