________________
૪
૬ અનુયોગદ્દારોથી સિદ્ધોની વિચારણા
૧) કિં ? સિદ્ધો શું છે ?
(i) સાંખ્યો માને છે કે સિદ્ધો દ્રવ્યમાત્ર છે, કેમકે મુક્ત આત્માઓ સુખ-દુઃખ વિનાના છે અને ગુણો પ્રકૃતિના છે.
(ii) બૌદ્ધો માને છે કે સિદ્ધો ગુણમાત્ર છે, કેમકે તેઓ શુદ્ધ વિજ્ઞાન માત્ર સ્વરૂપ છે.
(iii) કેટલાક બૌદ્ધો માને છે કે સિદ્ધો ક્રિયામાત્ર છે, કેમકે તેઓ અભાવક્રિયારૂપ હોવાથી દીવાના બુઝાવા સમાન મોક્ષ છે.
તેથી સંશય થાય કે, ‘શું સિદ્ધો દ્રવ્ય છે, ગુણ છે કે ક્રિયા છે ?' આ સંશયનું અહીં સમાધાન કરાય છે કે, ‘સિદ્ધો ગુણમાત્રરૂપ કે ક્રિયામાત્રરૂપ નથી, પણ જ્ઞાન-દર્શન-સુખ વગેરે અનંત ગુણો અને પર્યાયોથી યુક્ત એવું જીવદ્રવ્ય એ સિદ્ધ છે.' ૨) કમ્સ ? - સિદ્ધો કોના છે ?
ઈશ્વરવાદીઓ માને છે કે, ‘અજ્ઞ જીવ પોતાના સુખ-દુઃખ માટે પોતે સમર્થ નથી, ઈશ્વરથી પ્રેરાયેલો તે સ્વર્ગમાં કે નરકમાં જાય છે.’ તેથી તેઓ ઈશ્વરને જીવનો સ્વામી માને છે. બીજાઓ અન્યને જીવનો સ્વામી માને છે. તેથી પ્રશ્ન થાય કે, ‘સિદ્ધો કોના છે ? અથવા સિદ્ધો કોના સ્વામી છે ?’
આ પ્રશ્નનો અહીં જવાબ અપાય છે કે, ‘સ્વતંત્ર અચિંત્ય પરમઐશ્વર્યના યોગથી સિદ્ધો પોતે જ પોતાના સુખ વગેરેના સ્વામી છે.’ ૩) કેણ ? - સિદ્ધોને કોણે બનાવ્યા છે ?
ઈશ્વરવાદીઓ માને છે કે, ‘ઈશ્વરે આ લોક બનાવ્યો છે. તેથી સિદ્ધોને પણ ઈશ્વરે બનાવ્યા છે.' તેથી પ્રશ્ન થાય કે, ‘સિદ્ધોને કોણે બનાવ્યા ? અથવા, સિદ્ધો કયા હેતુથી થયા ?’
આ પ્રશ્નનો અહીં જવાબ અપાય છે કે, ‘દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ સિદ્ધોને કોઈએ બનાવ્યા નથી. બધા કર્મો દૂર થવાથી સ્વરૂપનો લાભ થવાથી સિદ્ધો થાય છે. પર્યાયાસ્તિકનય સિદ્ધોને મૃતક (બનાવી શકાય તેવા) માને છે. તેના મતે સમ્યગ્દર્શનથી માંડીને સર્વસંવરરૂપ શૈલેશીક્રિયા સુધીના હેતુઓથી સિદ્ધો થાય છે.’