________________
‘સિદ્ધ’ પદનો અર્થ
મન્ત્ર સાધના વિના સિદ્ધ થાય છે. મન્ત્રમાં નિષ્ણાત તે મન્ત્રસિદ્ધ. (૮) યોગસિદ્ધ - પરમ અદ્ભુત કાર્ય કરી આપનારા એવા દ્રવ્યના બધા યોગો કે એક યોગમાં જે નિષ્ણાત હોય તે યોગસિદ્ધ.
(૯) આગમસિદ્ધ - જેણે દ્વાદશાંગી ભણી હોય અને તેના ભાવો જાણતો હોય તે આગમસિદ્ધ.
(૧૦) અર્થસિદ્ધ - અર્થ એટલે ધન. જેની પાસે ઘણું ધન હોય તે અર્થસિદ્ધ, અથવા જે ધનમાં રચ્યો-પચ્યો રહેતો હોય તે અર્થસિદ્ધ. (૧૧) યાત્રાસિદ્ધ - યાત્રા એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવું તે. તેમાં જે નિષ્ણાત હોય કે તેમાં જેને વરદાન મળેલું હોય તે યાત્રાસિદ્ધ. (૧૨) અભિપ્રાયસિદ્ધ - અભિપ્રાય એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ એક પદથી અનેક પદોને જાણવાના સામર્થ્યવાળી, નિર્મળ અને સૂક્ષ્મપદાર્થોને સમજવાના સામર્થ્યવાળી હોય તે અભિપ્રાયસિદ્ધ, અથવા જેની પાસે ઔત્પત્તિકી વગેરે ચાર પ્રકારની બુદ્ધિ હોય તે અભિપ્રાયસિદ્ધ. (૧૩) તપસિદ્ધ - બાહ્ય-અત્યંતર તપ કરવામાં જે થાકતો નથી તે તપસિદ્ધ. (૧૪) કર્મક્ષયસિદ્ધ – જેના બધા કર્મોનો ક્ષય થઈ ગયો હોય તે કર્મક્ષયસિદ્ધ. અહીં ક્ષાયિકભાવથી નોઆગમ ભાવસિદ્ધનો અધિકાર છે. (II) ‘સિદ્ધ’ પદનો અર્થ (નિરુક્તિ) -
૧) જેના બધા કાર્યો સિદ્ધ થઈ ગયા છે, જેણે વિદ્યા-સુખ-ઇચ્છા વગેરે કંઈ સાધવાનું બાકી નથી એવા મુક્ત આત્મા તે સિદ્ધ.
૨) અનાદિકાળથી બંધાયેલા ૮ પ્રકારના કર્મોને સ્થિતિઘાત-સઘાત વગેરેથી અલ્પ કરીને વ્યુપરતક્રિયાઅનિવૃત્તિશુક્લધ્યાનથી જે બાળી નાંખે (ક્ષય કરે) તે સિદ્ધ.
(III) ૬ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા -
પ્રશ્ન ઃ અહીં આ છ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા શા માટે કરી છે ? જવાબ ઃ ભિન્ન ભિન્ન દર્શનવાળા સિદ્ધોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ માનતાં હોવાથી સિદ્ધોની બાબતમાં ભ્રમ થવાનો સંભવ છે. તેથી તે ભ્રમ દૂર કરવા અહીં છ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા કરી છે.