________________
હવે પ્રકૃતિબંધનું સ્વરૂપ જણાવવાપૂર્વક અનંતર કહેલ આ જ ઉત્તરપ્રકૃતિઓના સ્થિતિબંધ આદિને આશ્રયીને તીવ્ર વગેરે પ્રકારના બંધ અને ઉદયને કહે છે–
ગાથાર્થ– આ પ્રમાણે આ પ્રકૃતિ (મૂલ-ઉત્તર ભેદથી) અનેક પ્રકારની છે. તે પ્રકૃતિના સ્થિતિ, અનુભાવ અને પ્રદેશના આધારે તે પ્રકૃતિનો તીવ્ર, મંદ અને મધ્યમ એમ વિશેષ પ્રકારનો બંધ અને ઉદય થાય છે.
ટીકાર્થ– (અહીં તાત્પયાર્થ એ છે કે જો પ્રકૃતિના સ્થિતિ આદિ ઉત્કૃષ્ટ બંધાય તો પ્રકૃતિનો બંધ અને ઉદય પણ તીવ્ર હોય, તથા સ્થિતિ આદિ મધ્યમ કે મંદ બંધાય તો બંધ અને ઉદય પણ મધ્યમ કે મંદ હોય. આમ પ્રકૃતિઓના બંધની અને ઉદયની તરતમતાનો આધાર સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ છે.)
અહીં “પ્રકૃતિ અનેક પ્રકારની છે એમ કહીને પ્રકૃતિબંધનું પ્રતિપાદન કર્યું છે.
સ્થિતિબંધ=બંધાયેલી પ્રકૃતિનું નાશ પામ્યા વિના (=ઉદય ન થાય ત્યાં સુધી) આત્માની સાથે રહેવું.
અનુભાવ કટુફળ, અધિક કટુફળ ઇત્યાદિ ભાવથી પ્રકૃતિઓને અનુભવવી. (ટૂંકમાં અનુભાવ એટલે ફળ આપવાની શક્તિ. પરિપાક, વિપાક, અનુભાવ, રસ, ફળ વગેરે શબ્દો એકાર્થક છે.)
પ્રદેશબંધ કર્મપુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે (ક્ષીરનીરવ) સંબંધ. ઉદય અનુભવ (Fકર્મફળનો અનુભવ કરવો.)
જયારે પ્રકૃતિની સ્થિતિ ઉત્કૃષ્ટ હોય ત્યારે અનુભાવ અને પ્રદેશ પણ ઉત્કૃષ્ટ હોય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યારે બંધ અને ઉદય તીવ્ર હોય. સ્થિતિના અનુસાર મંદ અને મધ્યમ બંધ અને ઉદય વિચારવા.
ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે છે– જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમ, મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમ, નામ-ગોત્ર કર્મની ૨૦ કોડાકોડી સાગરોપમ અને આયુષ્યની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે.
પ્રશમરતિ - ૩૪