________________
પંચસૂત્ર
૧૯
પહેલું સૂત્ર
દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોવાથી ધર્મબીજો અને સમ્યગ્દર્શન આદિ ગુણો પણ ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઇ જીવને નિસર્ગથી ( નિમિત્ત વિના સ્વાભાવિકપણે) અને કોઇ જીવને અધિગમથી (ગુરુનો ઉપદેશ આદિ નિમિત્તથી) સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે ધર્મબીજોની, મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન આદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
‘તથાભવ્યત્વ વગેરે એ સ્થળે રહેલા વગેરે શબ્દથી કાલ, નિયતિ, કર્મ અને પુરુષાર્થનું ગ્રહણ કરવું. આનો અર્થ એ થયો કે તથાભવ્યત્વ વગેરે પાંચ કારણો ભેગાં થાય તો પાપકર્મનો વિનાશ થાય.
૪. તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો साध्यव्याधिकल्पत्वात् तथाभव्यत्वस्य विपाकसाधनान्याह
તથાભવ્યત્વ સાધ્ય વ્યાધિ સમાન છે. અસાધ્ય વ્યાધિ કોઇ ઉપાયોથી દૂર ન કરી શકાય. સાધ્ય વ્યાધિ ઉપાયોથી દૂર કરી શકાય છે. તે પ્રમાણે ઉપાયોથી તથાભવ્યત્વનો પરિપાક કરી શકાય છે. આથી ગ્રંથકાર તથાભવ્યત્વનો પરિપાક કરવાનાં સાધનોને કહે છે – तस्स पुण विवागसाहणाणि-१ चउसरणगमणं, २ दुक्कडगरिहा, ३ सुकडासेवणं, अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं, भुज्जो भुज्जो संकिलेसे, तिकालमसंकिलेसे । ॥४॥ ૧. તથાભવ્યત્વનો પરિપાક એટલે તથાભવ્યત્વનું મોક્ષરૂપ કાર્ય સાધવા માટે તત્પર બનવું.
જેમ કે કોઠીમાં પડેલું બીજ ફળ ઉત્પન્ન કરવા રૂપે કાર્ય સાધતું નથી. એ જ બીજ ખેતરવાડીમાં વાવવામાં આવે તો બીજા કારણોના સહકારથી ફળ ઉત્પન્ન કરવા રૂપ કાર્યને સાધવામાં તત્પર બને છે. તે પ્રમાણે પ્રસ્તુતમાં તથાભવ્યત્વનો પરિપાક ન થાય ત્યાં સુધી તથાભવ્યત્વ કોઠીમાં પડેલા બીજની જેમ મોક્ષ રૂપ કાર્ય સાધવા તત્પર બનતું નથી. તથાભવ્યત્વનો પરિપાક થતાં તથાભવ્યત્વ કાળ વગેરે કાર્યનો યોગ થતાં મોક્ષરૂપ કાર્ય સાધવા તત્પર બને છે. કાળ વગેરે પાંચ કારણોનું વિશેષ વર્ણન આ ગ્રંથમાં “પંચકારણસમુદાય” એ નામના પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.