________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
મોક્ષમાં જવાની યોગ્યતા. ભવ્યત્વ એ અનાદિ પારિણામિક ભાવ છે, અર્થાત્ જીવનો ભવ્યત્વભાવ કોઇ કારણથી થયો નથી, કિંતુ અનાદિ કાળથી જીવમાં રહેલો છે. વિશિષ્ટ પ્રકારનું ભવ્યત્વ તે તથાભવ્યત્વ, અર્થાત્ દરેક જીવનું જુદું-જુદું ભવ્યત્વ તે તથાભવ્યત્વ. કારણ કે બધા જીવોને ધર્મબીજોની પ્રાપ્તિ (એક સરખી થતી નથી, કિંતુ) કાળ આદિના ભેદથી થાય છે.
દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ (મોક્ષ પામવાની યોગ્યતા) હોવા છતાં સમાન (એક જ સરખું) નથી હોતું. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે.
આંબાના ઝાડમાં ૫૦૦ કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યોગ્યતા છે. છતાં તે બધી કેરીઓ એક સાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે, અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તો કોઇ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસો લાગે છે. કોઇ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે. તો અમુક કેરીઓ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ-મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. કોઇ જીવ આદિનાથ ભગવાનના શાસનમાં મોક્ષ પામે છે. તો કોઇ જીવ અન્ય તીર્થકરના શાસનમાં મોક્ષ પામે છે. કોઇ જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામે છે, તો કોઇ જીવ ભરત કે ઐરાવત ક્ષેત્રમાં મોક્ષ પામે છે. કોઇ જીવ ઉત્સર્પિણી કાલમાં, તો કોઇ જીવ અવસર્પિણી કાલમાં મોક્ષ પામે છે. કોઇ આલોચના લેતાં, કોઇ ભક્તિ કરતાં, કોઇ પશ્ચાત્તાપ કરતાં, કોઇ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષ સાધે છે. કોઇ તીર્થકર રૂપે, કોઇ ગણધર રૂપે, કોઇ સામાન્ય કેવળીરૂપે મોક્ષ પામે છે. આમ ભિન્ન ભિન્ન રીતે મોક્ષ પામવામાં કારણ તે તે જીવનું પોતાનું આગવું તથાભવ્યત્વ છે.
૧. જેવી રીતે ખેતરમાં બીજની વાવણી થયા પછી વર્ષાદ આદિ સહકારી કારણોની પ્રાપ્તિ થતાં
બીજમાંથી અંકુર વગેરે દ્વારા અનુક્રમે ફળની પ્રાપ્તિ થાય છે તેમ આત્મામાં ધર્મબીજોની પ્રાપ્તિ થયા પછી કાળ વગેરે સહકારી કારણોની પ્રાપ્તિ થતાં સમ્યગ્દર્શન આદિ ધર્મરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ ધર્મ બીજોનું વર્ણન પ્રસ્તુત ગ્રંથના “ધર્મબીજો” એ પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.