________________
મનોભાવો દર્શાવતા તેમણે કહ્યું હતું: “પૂ. પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય આગમપ્રભાકર પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજે પાટણમાં સતત અઢાર વર્ષ રહીને તાડપત્ર ઉપર તથા કાગળ ઉપર લખેલા સેંકડો હજારો હસ્તલિખિત આદર્શોને વ્યવસ્થિત કર્યા તેનું સૂચિપત્ર (લિસ્ટ) બનાવીને આ ગ્રંથો સુલભ કર્યાં છે. જેસલમે૨ જઈને ઘણાં કષ્ટો વેઠીને ૧૬ મહિના રહીને ત્યાંના ભંડારને પણ વ્યવસ્થિત કરીને સુચિપત્ર (લિસ્ટ) બનાવીને એ ગ્રંથોની પણ જાણકારી આપણને આપી. હવે આ ગ્રંથોનો ઉપયોગ કરીને હજારો શુદ્ધ પાઠ પ્રકાશમાં લાવવાની આજના સંશોધકોની ફરજ છે. જોકે આ ગ્રંથો મેળવવામાં પણ અવરોધો ઘણા છે. છતાં એનો ઉપયોગ થશે તો જ ઘણાઘણા શુદ્ધ પાઠો પ્રકાશમાં આવશે આ નિશ્ચિત હકીકત છે. પ્રાચીન ગ્રંથો મળ્યા પછી પણ એનો ઉપયોગ કેમ કરવો એ માટે ખૂબ ધીરજ અને ઊંડા તથા વિશાળ અનુભવની જરૂર પડે છે.
“હસ્તલિખિત ગ્રંથોમાં આદિથી સળંગ લખાણ જ હોય છે. જુદા જુદા પેરેગ્રાફ જેવું કંઈ હોતું જ નથી. સામાન્ય રીતે પદચ્છેદ તથા અલ્પવિરામ આદિ વિરામ ચિહ્નો પણ હોતા નથી. કોઈક ગ્રંથમાં હોય તો તે પણ તેની રીતે હોય છે. બહુ વિશ્વાસ રાખી શકાય નહિ. વળી પહેલા ડિમાત્રા (પૃષ્ઠમાત્રા)માં ગ્રંથો લખાતા હતા. એટલે ડિમાત્રા વાંચવામાં ભૂલો થતી હતી. એટલે લહિયા લખવામાં ભૂલો કરી બેસે એટલે હસ્તલિખિતમાંથી મુદ્રણયુગ શરૂ થયો, ત્યારે લાખો પદોને ક્યાં છૂટાં પાડવાં તથા ક્યાં ક્યાં અલ્પવિરામ આદિ વિરામ ચિહ્નો મૂકવાં એ મોટો વિકટ પ્રશ્ન હતો. તે સમયનાં સંપાદક-સંશોધકોને કેટલો બૌદ્ધિક તથા શારીરિક શ્રમ પડ્યો હશે તેની આપણે કલ્પના પણ કરી શકીએ નહિ. આવા અપ્રમત જ્ઞાનયોગી મહાપુરુષોએ કરેલી વ્રુતસેવાના આપણે સૌ ઋણી છીએ.
“પુણ્યવિજ્યજી મહારાજે અનેક ગ્રંથોના પાઠભેદો લઈને રાખેલા છે. સટીક બૃહત્કલ્પસૂત્રના છ ભાગો સંશોધિત કરીને એમણે પ્રકાશિત કર્યા ત્યારથી સંશોધન માટેનો એમનો મતિવૈભવ પ્રકાશમાં આવ્યો. સંશોધન યુગના આદ્યપ્રવર્તક તરીકે તેમનું નામ અમર રહેશે. ‘દ્વાદસાર નયચક્ર'ના સંશોધન-સંપાદન દ્વારા સંશોધન ક્ષેત્રમાં મને લાવનાર અને એ રીતે મારા વિશિષ્ટ ઉપકારી વર્તમાન સંશોધન યુગના આદ્યપ્રવર્તક આગમ પ્રભાકર પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજને કોટિશઃ વંદન અને અભિનંદન.
૧૧
પૂજ્ય મુનિશ્રી જંબૂવિજ્યજી મહારાજે સંશોધિતસંપાદિત કરેલા ગ્રંથોની સંખ્યા ૩૦ જેટલી છે. જેમાં આગમ સાહિત્યના ૧૧, દાર્શનિક સાહિત્યના ૫, વ્યાકરણ સાહિત્યના ૩, ધર્મ આચાર સાહિત્યના ૫, સૂચિપત્ર કેટલોગ-૩ (પાટણ કેટલોગના ૪ ભાગ છે), પ્રાચીન મંત્ર સાહિત્યના ૨, આ ઉપરાંત સ્તવનો-ગહુલી તથા હિમાલયની પદયાત્રા (પત્ર સાહિત્ય) પુસ્તકો એમણે લખ્યા છે. એમના પ્રવચનોના અંશો ગુરુવાણી શીર્ષકથી (ભાગ ૧થી ૪) પ્રકાશિત થયા છે. ૫૭૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધો