________________
સાહિત્યમાં તેનો ફળો’ એ વિષય ઉપર અંગ્રેજીમાં શોધપ્રબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી. મૂળ અંગ્રેજી ગ્રંથ સિંઘી જૈન ગ્રંથમાળામાં અને એનો ગુજરાતી અનુવાદ ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયો છે. એના હિંદી અને તેલુગુ અનુવાદો પણ થયા છે. આ સમયે જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' નામનું પુસ્તક તૈયાર કર્યું.
ઈ. સ. ૧૯૪૮માં શ્રી ભોગીલાલભાઈની સંશોધનપ્રવૃત્તિના નવા સીમાચિહ્ન સમો “પંચતંત્ર ગ્રંથ પ્રગટ થયો. મૂલ “પંચતંત્ર વિદ્યમાન નથી અને એથી “પંચતંત્રની વિવિધ પાઠપરંપરા (versions) મળે છે. આજે જેને પંચતંત્ર' તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે તે મૂળ પંચતંત્રની પશ્ચિમ ભારતીય પાઠપરંપરા છે. આથી શ્રી ભોગીલાલભાઈએ પંચતંત્ર કથાગ્રંથનો શાસ્ત્રીય અનુવાદ અને આવશ્યક હોય ત્યાં પાઠાંતર આદિની ચર્ચા તો કરી જ, પરંતુ એથી ય વિશેષ આ વિષયોને સમગ્ર દષ્ટિએ અવલોકવા માટે પશ્ચિમ ભારતીય પંચતંત્ર' ઉપરાંત પંચતંત્રની બીજી પ્રાચીન પાઠપરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ અને એના ભેદપ્રભેદોની નોંધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું. આ પુસ્તકના પુરોવચનમાં વિવેચક શ્રી રામનારાયણ વિ. પાઠક આ સંશોધનગ્રંથની વિશેષતા દર્શાવતાં લખે છે :
કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે પ્રો. ભોગીલાલ સાંડેસરાને હાથે આ પુસ્તકને પૂર્ણ ન્યાય મળ્યો છે. ભાષાંતર સાધારણ ભણેલ પણ વાંચીને સમજી શકે એવું થયું છે, અને વિદ્વાનો પણ આદર કરે એવી વિદ્વત્તા એના સંપાદનમાં, ટિપ્પણોમાં અને એના ઉપોદઘાતમાં આવતી ચર્ચામાં રહેલી છે. તેમણે ઉપલબ્ધ
એટલાં બધાં પંચતંત્રોની વાર્તાઓ આમાં સંગ્રહી છે, પાઠ નક્કી કરવામાં એક પ્રાચીન સંશોધકની કુશળતા દર્શાવી છે, પંચતંત્રની પરંપરાનો ઇતિહાસ એક પુરાતત્ત્વવિદની રીતે આલેખ્યો છે અને એક વિવેચકની દૃષ્ટિએ પંચતંત્રનું સાહિત્યિક મહત્ત્વ દર્શાવ્યું છે. હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં, આટલી શાસ્ત્રીય અને વિશાલ દષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.”
યુવાન ભોગીલાલભાઈ આગમનું ભાષાંતર કરે, પ્રબંધોનું સંશોધન કરે. બરાબર આ જ સમયે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓથી દેશ નવચેતન અનુભવતો હતો. અનેક યુવાનો એમની અહિંસક લડતમાં ઝંપલાવતા હતા. હસ્તપ્રતો, શાસ્ત્રો અને ઇતિહાસગ્રંથોની અન્વેષણા કરતા ભોગીલાલભાઈ આસપાસની પરિસ્થિતિનો પ્રતિભાવ અનુભવતા હતા. ક્યારેક મન થઈ આવે કે આ બધું છોડીને ગાંધીજીની લડતમાં જોડાઈ જાઉં. એક વાર ગુજરાત વિદ્યાસભામાં શ્રી રવિશંકર મહારાજ આવ્યા. યુવાન ભોગીલાલભાઈએ પોતાના હૃદયની વ્યથા પ્રગટ કરતાં કહ્યું, “મને ભારે મૂંઝવણ થાય છે. આજે દેશને ઘણા યુવાનોની જરૂર છે, ત્યારે હું આ પુસ્તકોના ગંજ વચ્ચે બેઠો છું. મારાથી કશું રચનાત્મક કામ થતું નથી. શું હું મારી આ પ્રવૃત્તિ છોડીને દેશસેવાના કામમાં લાગી જાઉં ? મારે તમારું માર્ગદર્શન જોઈએ છે.”
બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા + ૫૪૩