________________
વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રી ભોગીલાલભાઈને ઉત્તીર્ણ થવા માટે ગણિતમાં માત્ર ચાર જ ગુણ ખૂટતા હતા. પરિણામે તેઓ મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા.
સંશોધનનો નાદ તો ક્યારનોય લાગી ચૂક્યો હતો. મૅટ્રિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઈ. સ. ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ રૂપસુંદર કથા' નામનું એમનું સંપાદિત પુસ્તક પ્રગટ કર્યું. માધવ કવિએ સં. ૧૭૦૬માં આ વૃત્તબદ્ધ ગુજરાતી કાવ્ય રચેલું છે. જૂના ગુજરાતી સાહિત્યમાં વૃત્તબદ્ધ રચનાઓ થતી નહોતી એવી શ્રી નરસિંહરાવ દિવેટિયાની માન્યતા એના પ્રકાશનથી નિર્મૂળ ઠરી. નવાઈની વાત એ છે કે શ્રી ભોગીલાલભાઈએ મેટ્રિકમાં જે પુસ્તક સંપાદિત કર્યું હતું તે એમને ૧૯૪૩માં એમ.એ.માં હતા ત્યારે અભ્યાસમાં એ પુસ્તક ભણવાનું આવ્યું. મેટ્રિક પછી બે વર્ષ ૧૯૩૫થી ૧૯૩૭ “ગુજરાત સમાચાર' અને 'પ્રજાબંધુ'ના તંત્રી ખાતામાં કામ કર્યું. એ સમયે તેઓ ગુજરાત સમાચારના અગ્રલેખો લખતા અને પીઢ પત્રકાર અને લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ સંપર્કમાં આવ્યા.
એક સુખદ અકસ્માતથી મેટ્રિકમાં પાસ થયા, તો એ જ રીતે કૉલેજપ્રવેશ વખતે પણ એક વિલક્ષણ યોગાનુયોગ થયો. એ સમયે કોલેજના પ્રથમ વર્ષમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત એ બંને ફરજિયાત વિષયો હતા. પણ શ્રી ભોગીલાલભાઈ જ્યારે ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાં દાખલ થયા, એ વર્ષે જ વિષયોની જુદી વહેંચણી મુંબઈ યુનિવર્સિટીએ કરી હતી. પરિણામે ગણિતને બદલે એમણે બસો ગુણનો વિશ્વ-ઇતિહાસનો વિષય લીધો. કોલેજના પહેલા વર્ષની કૉલેજ-પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એકમાત્ર ભોગીલાલભાઈને જ પ્રથમ વર્ગ મળ્યો. ગણિત જેવા વિષય કરતાં પણ એમણે વિશ્વ ઈતિહાસના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હતા! કોલેજના અભ્યાસકાળ દરમિયાન તેમને ગુજરાતના ખ્યાતનામ વિવેચક શ્રી અનંતરાય રાવળ પાસેથી શિષ્ટ ગ્રંથો શીખવા મળ્યા.
ઈ. સ. ૧૯૪૧માં ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત (ઐચ્છિક) વિષયો સાથે શ્રી ભોગીલાલભાઈએ બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. તેઓ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ગુજરાતીના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવવા માટે દી. બ. કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્રક મેળવ્યો. તેઓ ઉત્તીર્ણ થયા પછી પંદર દિવસમાં જ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગોમાં પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. આ સમયે યુવાન ભોગીલાલભાઈને માથે અનુસ્નાતક શિક્ષણની ઘણી મોટી જવાબદારી આવી હતી.
ઈ. સ. ૧૯૪૩થી ઈ. સ. ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભામાં શ્રી ભોગીલાલભાઈએ અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કર્યું. આ સમય એ એમના વ્યક્તિત્વ ઘડતરમાં ઘણો મહત્ત્વનો સમય ગણાય. સંશોધકોની હૂંફ સાંપડી. કામ કરવાની સુંદર તક મળી. શ્રી રસિકલાલ પરીખ જેવા વિદ્વાન પાસેથી વિદ્યા અને સ્નેહ બંને સાંપડ્યાં. એમણે મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત ૫૪૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો