________________
મનોબળ પ્રાપ્ત થાય. વિશ્વમંગલનો મૈત્રીભાવ જાગ્રત થાય, ભણીગણીને કુટુંબ, પરિવાર, સમાજનાં કાર્યો કરવાની કુશળતા અને સંકલ્પ પ્રાપ્ત થાય. આર્થિક રીતે સંતોષી અને કરકસરયુક્ત જીવન જીવવાની કળા સાધી શકાય. પોતા માટે પૂરતાં પણ અલ્પ સુખસગવડમાં યૌવન કાળે રહી ભણતરની સીડીઓ ચડતાં અહમનો નાશ થાય અને સમતાનો ગુણ ચિત્તમાં સ્થિર થાય. આ છે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ફલશ્રુતિ, અનેક વિદ્યાર્થીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ભણીને સમાજસેવા અને ધંધા વ્યવસાયમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે મુંબઈ કે ગુજરાતના નગરોની એક પણ ગલી એવી નહીં હોય કે જ્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી ન હોય.
શ્રી મોતીચંદભાઈની સુદીર્ઘકાલીન સેવાઓને વિદ્યાલયની શ્રદ્ધાંજલિ રૂપે તેમ જ એમના ઉપકારની યત્કિંચિત ઋણમુક્તિની દષ્ટિએ, એમની આરસની અર્ધ પ્રતિમાની વિદ્યાલયમાં સ્થાપના કરી તેનો અનાવરણવિધિ તા. ૨૩-૧૯૬૦ને રવિવારના રોજ કેન્દ્ર સરકારના પ્રધાન માનનીય શ્રી એસ. કે. પાટિલના હાથે કરવામાં આવ્યો હતો. સેવામૂર્તિ શ્રી મોતીચંદભાઈની પ્રતિમા ચિરકાળ પર્વત કાર્યકરોને સેવાધર્મની અને કર્તવ્યનિષ્ઠાની તેમ જ વિદ્યાર્થીઓને જીવનઘડતરની અને વિદ્યાનિષ્ઠાની પ્રેરણા આપતી રહેશે.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સને પણ શ્રી મોતીચંદભાઈની સેવાઓનો દાયકા સુધી લાભ મળતો રહ્યો હતો. કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી તરીકે તેમ જ બીજી રીતે પણ એમણે લાંબા સમય સુધી કૉન્ફરન્સને પોતાનો સહકાર આપ્યો હતો. કેટલીકવાર તો રૂઢિચુસ્તતાએ જન્માવેલ ઝંઝાવાત સામે કૉન્ફરન્સની નૌકાને ટકાવી રાખવામાં એક કાબેલ સુકાની તરીકે શ્રી મોતીચંદભાઈને ખૂબ જ જહેમત અને ચિંતાનો ભાર ઉઠાવવાં પડ્યાં હતાં.
એ જ રીતે ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાની સાથે પણ તેઓ બહુ ગાઢ રીતે સંકળાયેલા હતાં. શ્રી મોતીચંદભાઈના ઘણાખરા ગ્રંથો આ સંસ્થા તરફથી પ્રગટ થયા હતા, તેમ જ જૈન ધર્મપ્રકાશ' માસિકને માટે પણ તેઓ હંમેશાં લેખ સામગ્રી આપતા રહેતા. આમ આ સંસ્થાને એક નામાંકિત પ્રકાશન સંસ્થા તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં શ્રી મોતીચંદભાઈનો ઘણો જ નોંધપાત્ર ફાળો હતો.
આ ઉપરાંત જેન એસોસીએટ્રસ ઓફ ઇન્ડિયા, માંગરોળ જૈન સભા અને કન્યાશાળા, ઘોઘારી વીસા શ્રીમાળી જૈન દવાખાનું, શેઠ શ્રી દેવકરણ મૂળજી ટ્રસ્ટ, શ્રી ગોડીજી ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ફાર્બસ સાહિત્ય સભા, હરકિશનદાસ હૉસ્પિટલ વગેરે મુંબઈની અનેક જૈન અને જૈનેતર સાર્વજનિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. મુંબઈના જાહેર જીવનને ઘાટ આપવામાં અને તે દ્વારા સમાજ-સેવાની પ્રવૃત્તિઓને વિકસાવવામાં શ્રી મોતીચંદભાઈએ બહુ કીમતી ફાળો આપ્યો હતો. મુંબઈના જાહેર જૈન જીવન ઉપર શ્રી મોતીચંદભાઈએ એવી તો અમીટ છાપ મૂકેલી છે કે વારે વારે તેઓનું સ્મરણ થતું જ રહે છે.
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક' + ૪૩૩