________________
અંતરીક્ષજી તીર્થ અંગેના કેસ માટે સને ૧૯૨૬માં વિલાયતમાં પ્રિતીકાઉન્સિલમાં રજૂઆત કરવાની જરૂરિયાત પડી તો એ માટે કાયદાશાસ્ત્રી તરીકે શ્રી મોતીચંદભાઈની પસંદગી કરવામાં આવી. ચીવટ, ખંત, ઝીણવટ, મર્મગ્રાહી બુદ્ધિ અને ઠાવકાઈથી તેઓ એ કેસમાં સફળ થઈને આવ્યા.
આ એમની પરદેશની પહેલી યાત્રા હતી. બીજી વાર તેઓ પોતાના કોઈ અસીલના કામે વિલાયત ગયા હતા. બંને વખત તેઓ ગયા તો કાયદાશાસ્ત્રી તરીકે જ, પણ એમની સંસ્કારિતાએ એને સંસ્કારયાત્રાઓ પુરવાર કરી હતી. વિદેશની ભૂમિ અને સંસ્કૃતિ વિશે તેઓનું નિરીક્ષણ અને અવલોકન અદ્ભુત હતું.
જેના અંતરમાં લોકલ્યાણની ભાવના ધબકતી હોય તે વ્યક્તિ દેશભક્તિની ભાવનાથી અસ્પૃશ્ય રહી જ ન શકે. દેશભક્તિ એ તો નાત-જાત, ધર્મ, સમાજ, પ્રાંત કે ભાષાના ભેદભાવ વગર દેશની સમગ્ર જનતાની સેવા દ્વારા જીવનને કૃતકૃત્ય કરવાનો રાજમાર્ગ છે. મહાત્મા ગાંધીજીના નેજા નીચે દેશની સ્વતંત્રતાના અહિંસક સંગ્રામના શ્રીગણેશ મંડાયા ત્યારે એ સ્વાતંત્ર્યપ્રેમી મહાસેનાના શ્રી મોતીચંદભાઈ પણ એક અદના સૈનિક બની ગયા, અને ૧૯૩૦ના સત્યાગ્રહસંગ્રામમાં બે વર્ષ માટે જેલવાસનું ગૌ૨વ પણ તેઓ લઈ આવ્યા. મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના તેઓ વર્ષો સુધી સભ્ય રહ્યા હતા. સને ૧૯૨૯માં તેઓ મુંબઈ શહેરની કૉર્પોરેશનના સભ્ય બન્યા અને છૂટક-છૂટક મળીને પંદર વર્ષ સુધી એમણે કૉર્પોરેશન દ્વારા મુંબઈ શહેરની સેવા કરી હતી. મુંબઈ યુનિવર્સિટી સેનેટના સભ્ય તરીકે પણ એમણે શિક્ષણ-ક્ષેત્રની કીમતી સેવા બજાવી હતી.
જો કોઈ માર્ગે લોકલ્યાણ સાધી શકાય એમ હોય તો એ માર્ગે શ્રી મોતીચંદભાઈ સામે ચાલીને પહોંચી જતા. અને તેમાં દિલ દઈને કામે લાગી જતા. એક કાર્યની જવાબદારી સ્વીકારી, પછી તેઓ એમાં ન થાકે, ન કંટાળે, ન માન-અપમાનની પરવા કરે. વળી, બીજાઓનો પોતાના કાર્યમાં સાથ મેળવીને એમની શક્તિઓનો લોકોના લાભ માટે ઉપયોગ કરી લેવાની શ્રી મોતીચંદભાઈની આવડત પણ દાખલારૂપ હતી. આ રીતે એમણે પોતાના જીવનમાં વ્યવહાર અને આદર્શનો અને જ્ઞાનયોગ અને કર્મયોગનો સમન્વય સાધ્યો હતો. સહૃદયતા, નમ્રતા, સરળતા, ઉપકારક વૃત્તિ, ગુણગ્રાહક દૃષ્ટિ વગેરે સદ્ગુણોથી પોતાના જીવનને સુરભિમય બનાવ્યું હતું.
અમુક વસ્તુ કે વિષયની આધારભૂત જાણકારી હોવી, એ તો જ્ઞાનની કક્ષામાં આવે જ છે; પણ અમુક બાબતનું પોતાને જ્ઞાન નથી, અમુક બાબતમાં અધિકારપૂર્વક બોલવાનો પોતાને અધિકાર નથી કે અમુક બાબત જાણવાનો દાવો કરી શકાય એવું પોતાનું જ્ઞાન નથી – એવી પોતાની મર્યાદાનું ભાન, એ પણ એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જ બની રહે છે. પોતાની જ્ઞાનમર્યાદાનો આવો ખ્યાલ એક બાજુ માનવીને અહંભાવ કે મિથ્યાભિમાનથી બચાવીને વિનમ્ર બનાવે છે અને બીજી બાજુ એની જિજ્ઞાસાને સતેજ રાખીને એને કોઈ પણ વિષયનો ૪૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો