________________
ઉપર ચાલવામાં અકસ્માત કે પ્રાણહાનિનો ભય નથી.
આધ્યાત્મિક ક્ષેત્રની આટલી વાત કર્યા પછી, ભૌતિક ક્ષેત્રમાં આ નિશ્ચય અને વ્યવહારની શું ઉપયોગિતા છે, તે સમજવાનું પણ રસપ્રદ થઇ જશે.
આપણે કાપડની એક દુકાન ખોલવી છે. દુકાનનું સ્થાન-સ્થળ-વિગેરે નક્કી કર્યા પછી, માલની ખરીદી કરવા આપણે નીકળીએ, ત્યારે ક્યાં જઇશું ? કાપડ માર્કેટમાં કે લોખંડ બજારમાં ? નિશ્ચય કાપડનો કરીને, આપણે ખીલાના કોથળા જો ખરીદી લાવીએ તો શું થાય ? અહીં સાધ્યથી વિચલિત થાય, તો વ્યાપારમાં ધબડકો જ વળે, કે બીજું કંઇ?
જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં પણ આપણે આપણું એક ધ્યેય નિશ્ચિત કરવું પડે છે. એ ધ્યેયને નક્કી કર્યા પછી, ત્યાં પહોંચી શકાય એવું ધ્યેયને અનુરૂપ વર્તન આપણે કરવું પડે છે. એંજીનિયર થવાનું ધ્યેય નક્કી કરીને એક વિદ્યાર્થી એક એંજીનિયરિંગ કોલેજમાં જગ્યા ન મળે ત્યારે, બીજી એંજીનિયરિંગ કોલેજમાં જગ્યા મેળવવાની પ્રવૃત્તિ કરવાને બદલે નાટ્યકળા શીખવાની કોલેજમાં સહજ જગ્યા મળતી હોવાથી, જો ત્યાં જાય, તો શું થાય ?
ઘરસંસારના કાર્યમાં પણ આવા ઘણા પ્રસંગો ઊભા થાય છે. આવકમાંથી બચત કરીને પોતાની માલિકીનું મકાન બાંધવાનું હોય, ત્યારે એ ધ્યેયની સિદ્ધિ માટે, પોતાની આવકમાંથી માણસે બચત કરવા લાગે છે. એ રીતે બચત કરવા દ્વારા થોડીક રકમ ભેગી કર્યા પછી, એની નજર રેડીઓ, રેફ્રીજરેટર, મોટર ઇત્યાદિ વસ્તુઓ તરફ જાય, અથવા અન્ય ફાલતુ મોજશોખમાં એ પડી જાય, તો પછી, મકાન તો તે બંધાવી રહ્યો !
પુત્ર માટે એક સુયોગ્ય કન્યા લાવવાની હોય, ત્યારે “આપણા ઘરને અનુરૂપ અમુક અમુક ગુણોથી યુક્ત એવી કન્યા' એ આપણું ધ્યેય હોવું જોઇએ. એને બદલે ધનવાનની પુત્રી અથવા રૂપવતી એવી કોઇ એક બાબતને જ લક્ષ્યમાં લઇને જો આપણે સંબંધ જોડીએ, તો શું થાય ?
આ બધી વસ્તુઓનો આપણે વિચાર કરીશું, તો આપણને સહેજે સમજાશે કે જીવનના રોજબરોજના વ્યવહારમાં પણ, નિશ્ચય અને વ્યવહાર વચ્ચેના સુમેળની આવશ્યકતા અનિવાર્ય છે. આ ક્ષેત્રમાં અપવાદનું આચરણ કરવાનો પ્રસંગ આવે, ત્યારે મૂળ ધ્યેયને વિસરીને આપણે કામ કરીએ, તો તેવું અપવાદઆચરણ આપણને ખાડામાં જ નાંખે.
=-નય અને પ્રમાણ