________________
નયની ચર્ચા કરતાં કરતાં ‘પ્રમાણ’ વિષેની સામાન્ય સમજુતી આપણે મેળવી લીધી. એ જ રીતે, આ વિચારણાને આગળ ચલાવતા પહેલા એક બીજી વાત સમજી લઇશું તો ઠીક રહેશે.
આગળ આપણે જોઇ ગયા છીએ કે વસ્તુ માત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપે હોય છે. આનો અરર્થ એ થયો કે આપણે જ્યારે કોઇપણ એક વસ્તુની વાત કરીએ, ત્યારે, એ વસ્તુની એના સામાન્ય અર્થમાં વાત કરીએ છીએ કે વિશેષ (ખાસ) અર્થમાં વાત કરીએ છીએ આ બાબતને ધ્યાનમાં લેવાનું અને લેવડાવવાનું આવશ્યક બને છે.
વસ્તુના સામાન્ય અથવા વિશેષ અર્થનો ખ્યાલ રાખ્યા વિના જો વાત કરવામાં આવે તો અનર્થ બની જવાનું તદ્દન સંભવિત છે. દાખલા તરીકે, કોઇ માર્ગ પર ચાલતાં, આપણને એક ઓળખીતા ભાઇ મળીને એવા ખબર આપે કે ‘આગળ જમણી તરફનો જે રસ્તો છે તે બંધ છે’. આ એક સામાન્યઅર્થ થયો. ‘મહામત થઇ રહી છે અને વાહનોની અવરજવર માટે રસ્તો બંધ છે' એવો વિશેષઅર્થ કરતા વાક્યનો પ્રયોગ જો ન કરવામાં આવે તો સંભવતઃ આપણે પાછા ફરીશું અને આપણું કામ વિલંબમાં પડશે અથવા બગડશે.
બીજો એક દાખલો લઇએ. એલોપેથિક ઔષધોની ઘણી બાટલીઓના લેબલ ઉ૫૨ ‘Poison’-ઝે૨-એવો શબ્દ છપાયેલો આપણે જોઇએ છીએ. સામાન્ય અર્થમાં ‘ઝે૨’ શબ્દનો અર્થ ‘પ્રાણઘાતક પદાર્થ’ એવો થાય છે. ડૉક્ટરે આપણને ‘સીઝબોલ’ નામની ઔષધી લાવીને અમુક રીતે વાપરવાની સૂચના આપ્યા પછી, એ ઔષધ લેવા ‘કેમીસ્ટ'ને ત્યાં આપણે જઇએ અને એની ઉપરના ‘પોઇઝન’ શબ્દને વાંચીને જો પાછા આવીએ તો અર્થનો અનર્થ થશે કે નહિ ? આને લગતો એક રમુજી પ્રસંગ આ લેખકને યાદ છેઃ
સંતાન વિનાના એક ધનવાન ગૃહસ્થનો એક ભત્રીજો ડૉક્ટર થયો હતો. એના પેલા કાકાને હૃદયની અમુક બિમારી હતી. કાકાને પૈસા ન ખર્ચવા પડે એવા હેતુથી, એની પાસે નમુના-Sample-તરીકે મફત આવેલી ‘Neocor' નીઓકોર નામની એક દવાની ગોળીઓની બાટલી એણે પોતાના કાકાને આપી અને ‘છાતીમાં દુખાવો ઉપડે ત્યારે આમાંની એક ટીકડી પાણી સાથે લઇ લેજો’ એમ તેણે કહ્યું. કાકા અંગેજી બે ચોપડી ભણેલા અને આયુર્વેદિક ઔષધોમાં વધારે શ્રદ્ધા ધરાવતા હોઇ વિલાયતી દવા વાપરવાનો આ પહેલો જ પ્રસંગ તેમને હતો. બાટલીના લેબલ ઉપર છપાયેલો ‘પોઇઝન’ શબ્દ વાંચીને તેઓ રડવા લાગ્યા. કોઇ રીતે છાના રહે નહિ. પછી એમના એક વિશ્વાસુ મિત્ર પાસે ખાનગીમાં તેમણે નીચે મુજબ ખુલાસો કર્યો :
સમાધાનમ્
૩૯