________________
અને આગમ” એવાં નામો અપાયા છે. આની વિગતમાં આપણે અહીં ઉતરતા નથી; પરંતુ જેમને આ વિષયમાં ખાસ રસ હોય તેમ તે માટે તજજ્ઞ પુરૂષોનો સંપર્ક સાધવો.
નય અંગેની વિચારણા પર પાછા આવતાં, આ વાત હવે આપણને યાદ રહેશે કે ઉપર જે પ્રમાણો દર્શાવ્યા છે તે પ્રમાણના વિષયના અંશને નય ગ્રહણ કરે છે.
અહીં, આ નય સંબંધી જે થોડું વિવેચન થયું છે, તે જોઇને, કોઇના મનમાં એવી શંકા ઉભી થવાનો સંભવ છે કે દરેક નય વસ્તુના એક જ સ્વરૂપની વાત કરે છે, તો પછી, એને એકાંત કે મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય ?
આ પ્રશ્નો સાધારણ ખુલાસો તો અગાઉ કરેલો જ છે, આમ છતાં, એ પ્રશ્નનો બરાબર જવાબ મેળવીને અને વિષયને સમજીને પછી આપણે આગળ ચાલીએ તો પાછળથી કોઇ શંકા કે કુતર્ક માટે સ્થાન નહિ રહે.
એકાંત ક્યારે કહેવાય ? કોઇ એક અંતથી નિર્ણય કરીને, વસ્તુના બીજા સ્વરૂપોનો સ્વીકાર કરવાનો જો ઇન્કાર કરીએ છીએ તો જ એકાંત અથવા મિથ્યાજ્ઞાન બને. નય વિષયમાં એવું નથી. એક નય વસ્તુના એક જ સ્વરૂપને ગ્રહણ કરે છે, ત્યારે બીજ નય અનુસાર જણાવવામાં આવતા વસ્તુના બીજા સ્વરૂપનો તે ઇનકાર નથી કરતો. બીજા નયો દ્વારા રજુ કરવામાં આવતી બાબત, વસ્તુનું બીજું સ્વરૂપ, તેના પ્રથમ સ્વરૂપ કરતાં વિરોધી હોવા છતાં, એ બીજા સ્વરૂપને પણ, બીજા નય અનુસારે હકીકત તરીકે સ્વીકારવાનો તે વિરોધ કરતો નથી. જેમકે, “સંગ્રહ’ નયની સમજણ મુજબ વસ્તુનું સ્વરૂપ “અમુક’ છે એમ કહેવામાં આવે છે, તેથી “નૈગમ” નય અનુસારના વસ્તુના બીજા ગુણધર્મનો વિરોધ કે અસ્વીકાર કરવામાં આવતો નથી. એથી ઉલટું સાતે સાત નય, વસ્તુના જે જુદા જુદા સ્વરૂપો બતાવે છે તે દરેક નયમાં, તે તે સ્વરૂપે, ગૌણપણે સ્વીકૃત જ છે. એટલે, નયજ્ઞાન મિથ્યા કરતું નથી.
બીજી એક વાક ખાસ યાદ રાખવાની છે. તે એ કે, આ બધા નયો, સ્યાદ્વાદના એક અંગ અથવા અવયવ સમા હોઇ, સ્યાદ્વાદમાં જે “ચાત્' શબ્દ છે, તેની છત્રછાયામાં જ કામ કરે છે. આ “સ્યાત્’ શબ્દનું પ્રયોજન નયોની સાપેક્ષતા સૂચવવા માટે પણ છે. પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે અને એ સ્વીકારને વ્યાજબી તેમજ સત્ય ઠરાવવા માટે જ “સ્યાત્'પદનો પ્રયોગ છે. સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યકતા અને વિશિષ્ટતા તેથી જ છે, એ આપણે પૂર્વ સમજી લીધેલું છે.
-=-નય અને પ્રમાણ