________________
શ્રી ચંદુલાલ શકરચંદ શાહ (શ્રી ચંદ્ર) દ્વારા લિખિત પુસ્તક “અનેકાંતસ્યાદ્વાદ’’માંથી સાભાર ઉદ્ધરણ કરેલ છે.
પરિશિષ્ટ-૨
નયવિચાર-પ્રમાણ અને નિક્ષેપ
નય સંબંધી વાત શરૂ કરતાં પહેલાં, ‘નય’ શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લઇએ. આ શબ્દ, જૈન તત્ત્વજ્ઞાનનો એક પારિભાષિક શબ્દ છે. એનો સામાન્ય અર્થ, ‘જ્ઞાન' એવો થાય છે. પરંતુ આ ‘જ્ઞાન’ શબ્દ અહીં એના વિશાળ અર્થમાં વપરાયો નથી, મર્યાદિત અર્થમાં વપરાયો છે.
જૈન તત્ત્વવેત્તાઓએ આ નય શબ્દની એક વ્યાખ્યા આપેલી છે. તેઓ કહે છેઃ‘કોઇપણ વસ્તુના એક ગુણ, ધર્મ યા સ્વરૂપને જે સમજાવે તે નય’’. અગાઉ આપણે જોઇ ગયા કે વસ્તુના ગુણધર્મો અનેક હોય છે. વસ્તુના આ બધા જુદા જુદા ગુણોને જુદી જુદી રીતે સમજવા માટે જૈન શાસ્ત્રકારોએ સાત જુદા જુદા નય બતાવ્યા છે. એટલે, જ્યારે આપણે નયની વાત અહીં કરીએ છીએ ત્યારે સાત નયનો ઉલ્લેખ કરીએ છીએ તેમ સમજવું. આનો વિશેષ અર્થ એ થયો કે એક જ વસ્તુના સાત જુદા જુદા સ્વરૂપોને, ગુણોને કે ધર્મોને જાણવા માટે અને ઓળખવા માટે સાત જુદા જુદા નયનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ નયના બે ઉપયોગ છે. એક તો પોતાને સમજવા માટે એને ‘જ્ઞાનાત્મક’ કહે છે, બીજો અન્યને સમજાવા માટે, એને ‘વચનાત્મક' કહે છે. આ જે સાત નય છે, તે સાત નય, પ્રત્યેક વસ્તુ માટે, પોતપોતાના અભિપ્રાયો ધરાવે છે. એ સાતે નયના અભિપ્રાયો પરસ્પરથી ભિન્ન હોવા છતાં, આ બધા જ નયો એક સાથે મળીને સ્યાદ્વાદશ્રુત રૂપી આગમની સેવા કરે છે. આ વાત બરાબર સમજવા માટે કોઇ રાજ્યના આવક અને ખર્ચ એવા બે ખાતાઓને આપણે લક્ષમાં લઇએ.
આવક-ખાતું માત્ર આવક કરે છે. ખર્ચ ખાતું માત્ર ખર્ચ જ કરે છે. આ બન્ને ખાતા પરસ્પરવિરોધી ગુણધર્મવાળા હોવા છતાં, બન્ને સાથે મળીને તે રાજ્યની સેવા જ કરે છે.
કોઇ એક બેંકમાં જાઓ. નાણા સ્વીકારનાર કોષાધ્યક્ષ (Receiving cashier) અને નાણા ચુકવનાર કોષાધ્યક્ષ (Paying cashier) બન્ને જણ તદ્દન વિરૂદ્ધ પ્રકારના કામો કરતા હોવા છતાં એ બન્ને ગૃહસ્થો બેંકની જ સેવા કરતા હોય છે.
સમાધાનમ્ -
૩૩