________________
'ઈ જ્ઞાનતય-કિયાલય ,
શાસ્ત્રોમાં જ્ઞાનનય અને ક્રિયાનની વાતો પણ આવતી હોય છે. એમાં જ્ઞાનનય કહે છે-ફળાર્થીએ અર્થને સારી રીતે જાણ્યા બાદ જ પ્રવૃત્તિ કરવી જોઇએ, નહીંતર સફળતા મળતી નથી. કહ્યું પણ છે કે-જ્ઞાન એ જ પુરૂષોને ફળ આપનાર છે, નહીં કે ક્રિયા, કારણકે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થનારને ફળ મળતું નથી. આગમમાં પણ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા..વગેરે કહ્યું જ છે તથા શ્રી તીર્થકર દેવોએ અને ગણધર દેવોએ માત્ર અગીતાર્થોના વિહારનો નિષેધ કર્યો છે એ પણ જ્ઞાન પ્રધાન છે એમ જણાવે છે. કારણ સ્પષ્ટ છે, આંધળા વડે દોરાતો આંધળો સભ્ય રસ્તો શી રીતે પામી શકે ? તથા ઉત્કૃષ્ટ તપચારિત્રવાળા એવા શ્રી અરિહંત દેવોને પણ કેવલજ્ઞાન વિના મોક્ષ મળતો નથી, માટે જ્ઞાન જ કારણ છે.
આ રીતે જ્ઞાનનયે પોતાની વાત કરવા પર હવે કિયાનય કહે છેઅર્થને સારી રીતે જાણ્યા પછી પણ ફળાર્થીએ પ્રવૃત્તિ વગેરે રૂપે ક્રિયા કરવાની જ હોય છે. તેથી બધા જ પુરૂષાર્થમાં ક્રિયા જ મુખ્ય કારણ છે. આવો ઉપદેશ એ ક્રિયાનય છે. કહ્યું છે કે-જીવોને ક્રિયા જ ફળપ્રદ બને છે, નહીં કે જ્ઞાન, કારણકે
સ્ત્રી, ભોજન વગેરેને ભોગવવાનું જ્ઞાન ધરાવનાર પણ એ જ્ઞાનમાત્રથી સુખી બની જતો નથી. આગમમાં પણ નિષ્ક્રિય જીવોના જ્ઞાનને નિષ્ફળ જ કહ્યું છે. જ્ઞાનમાત્રથી કાંઇ કાર્ય થતું નથી. માર્ગનો જાણકાર પણ ચાલે નહીં તો ગન્તવ્ય સ્થાને પહોંચતો નથી. કુશળ તરવૈયો પણ હાથ-પગ ન હલાવે તો ડૂબી જાય છે. એમ જ્ઞાની પણ યોગ્ય ક્રિયા ન કરે તો સંસારસાગરમાં ડુબે છે. શ્રી તીર્થકરો કેવલજ્ઞાન પામી ગયા પછી પણ જ્યાં સુધી શૈલેશી અવસ્થા-સર્વ સંવરરૂપ ચારિત્રક્રિયા કરતા નથી ત્યાં સુધી મોક્ષ પામી શકતા નથી. માટે ક્રિયા જ મુખ્ય છે.
સિદ્ધાન્તપક્ષ આ છે કે જ્ઞાન અને ક્રિયા બન્નેમાં સ્થિત સાધુ મોક્ષ પામે છે, બેમાંથી માત્ર એક દ્વારા નહીં. ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલું છે, જ્ઞાન વગરની ક્રિયા હણાયેલી છે. જોવા છતાં પાંગળો અને દોડવા છતાં આંધળો બન્ને આગમાં બળી ગયા. બન્નેના (જ્ઞાન-ક્રિયાના) સંયોગથી ફળ મળે છે. એક
=-નય અને પ્રમાણ