________________
(મન:પર્યવજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાય વિના અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવના મનમાં ઉઠતા વિચારોનું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન. જ્યારે જીવ કોઇપણ વિચાર કરે છે ત્યારે એ વિચારને અનુરૂપ મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને એ પુદ્ગલોને દ્રવ્યમનરૂપે પરિણમાવે (રૂપાંતરિત કરે) છે. દ્રવ્યમનરૂપે પરિણમેલા એ પુદ્ગલોને મન:પર્યવજ્ઞાન સાક્ષાત્ જુએ છે. તે પછી એના પરથી અનુમાન કરીને વિવક્ષિત વ્યક્તિએ ક્યાં વિચાર કર્યો છે એ જાણે છે. જો એને સામાન્ય રૂપે જાણે તો ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે, અને વિશેષ રૂપે જાણે તો એ વિપુલમતિમન:પર્યવજ્ઞાન કહેવાય છે.
મન:પર્યવજ્ઞાનને મન:પર્યયજ્ઞાન કે મન:પર્યાયજ્ઞાન પણ કહે છે. આ જ્ઞાન અપ્રમત્ત સંયમીઓને જ હોય છે. શ્રી તીર્થકર ભગવાન જ્યારે સંયમ લે છે ત્યારે મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે.
(કેવલજ્ઞાન ચેતન અને જડ સમસ્ત પદાર્થોના ત્રણેકાળના સમસ્ત પર્યાયોનું સંપૂર્ણ જ્ઞાન. વિશ્વની કોઇ જ વસ્તુ કે વાત આનાથી અજ્ઞાત હોતી નથી. જ્ઞાનાવરણ કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલું હોવાથી નિરાવરણ હોય છે, એક હોય છે, સાદિ અનંત હોય છે.
આમ પ્રમાણની વિચારણા પૂર્ણ થઇ. હવે નયોની વિચારણા કરીએ.
=-નય અને પ્રમાણ