________________
દેવ-નારકીને એ ભવ મળવા માત્રથી આ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે માટે એમનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. મનુષ્ય તિર્યંચને તેવી કોઇ તપશ્ચર્યા વગેરે સાધનારૂપ ગુણથી આ જ્ઞાન પ્રગટતું હોય છે તેથી એ ગુણ-પ્રત્યાયિક અવધિજ્ઞાન છે.
સમ્યકત્વી જીવનું અવધિજ્ઞાન કહેવાય છે, મિથ્યાત્વીનું વિર્ભાગજ્ઞાન કહેવાય છે. એ ભેદની વિવક્ષા ન હોય ત્યારે બન્નેનું સમાનપણે અવધિજ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાનના ૬ પ્રકારો છે.
(૧) આનુગામિક - અવધિજ્ઞાની જીવ જ્યાં જાય ત્યાં એની સાથે ને સાથે આવતું અવધિજ્ઞાન આનુગામિક અવધિજ્ઞાન છે. એ બેટરીના પ્રકાશ જેવું છે.
(૨) અનાનુગામિક - અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય એ ક્ષેત્રમાં જ જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી અવધિજ્ઞાન હોય. પણ એ ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય તો અવધિજ્ઞાન ન હોય. જીવ પાછો ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી જાય તો અવધિજ્ઞાન હોય. આવું અવધિજ્ઞાન અનાનુગામિક (=પાછળ પાછળ નહીં આવનાર) છે. આ ટેબલલેમ્પના પ્રકાશ જેવું છે.
(૩) વર્ધમાન - જેમ જેમ અધ્યવસાયો વિશુદ્ધ થતા જાય તેમ તેમ વધતું જતું અવધિજ્ઞાન વર્ધમાન છે. વધતાં વધતાં સંપૂર્ણ લોકને જોઇ શકે એવું અવધિજ્ઞાન લોકાવધિ કહેવાય છે. પછી પણ વિશુદ્ધિ વધતી જાય તો અલોકમાં પણ જોવાનું સામર્થ્ય પ્રગટતું જાય છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનને પરમાવધિ કહે છે. અસંખ્ય લોકને જોવાનું એનું સામર્થ્ય હોય છે. એ પ્રગટ્યા પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવલજ્ઞાન થાય છે.
(૪) હાયમાન - અધ્યવસાયોની મલિનતા વગેરે કારણે ઘટતું જતું અવધિજ્ઞાન હીયમાન છે.
(૫) પ્રતિપાતી - જે અવધિજ્ઞાન ચાલ્યા જવાની યોગ્યતા ધરાવે છે તે પ્રતિપાતી.
(૬) અપ્રતિપાતી - કેવલજ્ઞાનની પ્રાપ્તિ કે જીવનના અંત પૂર્વે જે ચાલ્યું ન જ જાય તે અપ્રતિપાતી અવધિજ્ઞાન.
સમાધાનમ્
=