________________
જીવ, બંધન અને મોક્ષ
97 અસ્પષ્ટ રૂપવાળા પદાર્થોને જાણી લે છે. પરંતુ આ જ્ઞાનથી રૂપવાળા પદાર્થોના બધા પર્યાયોની જાણકારી થતી નથી. આ સીમા હોવાને કારણે આ જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે.
અવધિ જ્ઞાન બે પ્રકારનાં હોય છે – ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. ભવનો અર્થ કે જન્મ અને પ્રત્યયનો અર્થ છે કારણ. અર્થાત્ જે અવધિ જ્ઞાન થવા માટે જન્મ જ નિમિત્ત છે, એટલે કે જે અવધિ જ્ઞાન જન્મજાત હોય છે, તેને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહે છે. એવું જન્મજાત અવધિ જ્ઞાન ફક્ત દેવ અને નારકી જીવોને જ હોય છે. ગુણ-પ્રત્યય અવધિ જ્ઞાન કર્મોના ન્યૂનાધિક (વધતા ઓછા અંશે) નષ્ટ અથવા શાંત થવાને કારણે કેવળ કેટલાક મનુષ્યો અને પશુઓમાં જોવા મળે છે. તેના છ ભેદ છેઃ (1) અનુગામી (2) અનુગામી (3) વર્ધમાન (4) હીયમાન (5) અવસ્થિત અને (6) અનવસ્થિત. આ જન્મ પછી બીજા જન્મમાં સાથે જનારા અવધિ જ્ઞાનને અનુગામી કહે છે. બીજા જન્મમાં સાથે ન જનારા અવધિ જ્ઞાનને અનનુગામી કહેવાય છે. જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉત્તરોત્તર વધતું જાય તેને વર્ધમાન કહે છે, અને જે ઉત્તરોત્તર ઘટતું જાય તેને હીયમાન કહે છે. જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા બાદ ન ઘટે ન વધે, બલકે તે જન્મપર્યંત જેમનું તેમ બનેલું રહે, તેને અવસ્થિત કહે છે અને જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા બાદ ક્યારેક ઘટે અને ક્યારેક વધે, તેને અનવસ્થિત કહે છે.
4. મન:પર્યય જ્ઞાન - બીજાના મનના ભૂત અને વર્તમાન વિચારોને જાણનારા જ્ઞાનને મન:પર્યય જ્ઞાન કહે છે. આ જ્ઞાન ક્વળ મનુષ્યો દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. રાગ-દ્વેષ વગેરે માનસિક વિકારો દૂર થઈ જવાથી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એના બે ભેદ છે- ઋજુમતિ અને વિપુલમતિ. જે બીજાઓના મનના સરળ વિચારોને જાણી લે તેને ઋજુમતિ કહે છે અને જે બીજાના મનના જટિલમાં જટિલ વિચારોને પણ જાણી લે તેને વિપુલમતિ કહે છે. સંયમ અને નિયમપૂર્વક દઢ સાધનામાં લાગેલા મહાત્માઓ કે સાધુજનોને જ વિપુલમતિની પ્રાપ્તિ થાય છે. ઋજુમતિ અને વિપુલમતિમાં બે વાતોને લઈને અંતર છે. એક તો ઋજુમતિથી વિપુલમતિ અધિક વિશુદ્ધ હોય છે અને બીજું, ઋજુમતિને પ્રાપ્ત કરીને એને ગુમાવી પણ શકાય છે. પરંતુ વિપુલમતિને પ્રાપ્ત કર્યા બાદ તેને ક્યારેય ગુમાવી શકાતું નથી. વિપુલમતિ પ્રાપ્ત કરનારો જીવ આ જ જન્મમાં કેવલ જ્ઞાનની પણ પ્રાપ્તિ કરી લે છે.