________________
78.
જૈન ધર્મ સાર સંદેશ સંસારી જીવ કોઈને કોઈ ઇચ્છા કે મનોભાવથી જ કોઈ કર્મ કરે છે. તે કર્મ કરી લીધા પછી પણ જે ઇચ્છા અથવા મનોભાવથી તે કર્મ કરવામાં આવ્યું હતું તેનો અંત થઈ જતો નથી. તે ઈચ્છા કે મનોભાવ વિશેષ પ્રકારની વાસનાનું રૂપ લઈને પોતાનું વિશેષ ફળ ઉત્પન્ન કરે છે. એક જીવનમાં જે કર્મો કરવામાં આવે છે, તેમનું ફળ કોઈને કોઈ આગામી જીવનમાં અવશ્ય ભોગવવું પડે છે. આ પ્રમાણે પોતે કરેલાં પુણ્ય અને પાપના કર્મોની પ્રકૃત્તિ (સ્વભાવ)ના અનુસાર જીવને અનેક યોનિઓમાં જન્મ લઈને સુખ અને દુઃખ ભોગવવું પડે છે. જે પ્રમાણે લીમડાની પ્રકૃતિ કડવાશ છે અને ગોળની પ્રકૃતિ મીઠાશ છે, તે જ પ્રમાણે જીવની સાથે બંધાયેલા કર્મોની પ્રકૃતિ અનુસાર જીવ અનેક પ્રકારનાં સારાં કે ખરાબ ફળોને પ્રાપ્ત કરે છે. આ ફળો બે પ્રકારનાં હોય છેઃ (1) જીવના સ્વાભાવિક ગુણોને ઘાત (ખતમ) કરનારાં, અર્થાત્ તેમને ઢાંકનાર કે બાધિત કરનારાં અને (2) જીવના સ્વાભાવિક ગુણોનો ઘાત ન કરી, અર્થાત્ તેમને બાધિત નહીં કરીને, તેના આગામી જીવનનું સ્વરૂપ નિર્ધારિત કરનારાં. પહેલાને ઘાતિયા (ઘાતક) કર્મ અને બીજાને અઘાતિયા (અઘાતક) કર્મ કહે છે. પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. આ પ્રમાણે કર્મોની પ્રકૃતિ કે સ્વભાવ અનુસાર તેમના આઠ ભેદ કહેવામાં આવે છે. આ આઠેયનો ઉલ્લેખ જૈનધમશ્રિતમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ પ્રકૃતિ બંધકના (પોતાના સ્વભાવ અનુસાર બંધનમાં નાંખનારા કર્મોના) ભેદ છે, એમને કર્મોની મૂળ પ્રકૃતિઓ જાણવી જોઈએ.”
આ આઠ પ્રકારનાં બંધનકારી કર્મોમાં પ્રથમ ચાર ઘાતિયા કર્મના ભેદ છે અને શેષ ચાર અઘાતિયા કર્મના ભેદ છે. એમના વિશેષ પ્રકારના પ્રભાવોને સંક્ષેપમાં આ પ્રમાણે સમજી શકાય છેઃ
ઘાતિયા કર્મના ભેદઃ 1. જ્ઞાનાવરણીય કર્મઃ જે કર્મ જીવના યથાર્થ જ્ઞાનને ઢાંકી લે છે અથવા પ્રભાવિત કરે છે, તેમને જ્ઞાનાવરણીય કર્મ કહે છે.