________________
11.
જીવ, બંધન અને મોક્ષ પોતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખ કરી લે છે, ત્યારે તે સંસારના મોહક વિષયોથી ઉદાસીન થઈ આત્મલીન થઈ જાય છે અને આત્માનંદમાં મગ્ન થઈને સંસારથી મુક્ત થઈ જાય છે.
હવે આપણે જીવના બંધનના કારણ પર વિચાર કરીશું.
કર્મ બંધનનું મૂળ કારણ આ અધ્યાયના પહેલા ખંડમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે જીવ પોતાના મૂળરૂપમાં પૂર્ણ અને અનંત છે. પરંતુ પોતાના અજ્ઞાનવશ તે જે પ્રકારનાં કર્મો કરે છે, તેમની ચૂકવણી કરવા માટે તેને તે જ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે અને જે પ્રકારનું તે શરીર ધારણ કરે છે, તે જ પ્રમાણેની સીમાઓ અને બાધાઓથી તેના અનંત ગુણ ઢંકાઈ જાય અથવા પ્રભાવિત થઈ જાય છે. જે પ્રમાણે પૂરી ધરતીને પ્રકાશિત કરનારો સૂર્ય વાદળ કે ધુમ્મસના કારણે જોઈ શકાતો નથી, પરંતુ વાદળ કે ધુમ્મસ હટતાં જ પોતાના પૂર્ણ પ્રકાશની સાથે ચમકી ઉઠે છે, તે જ પ્રમાણે કર્મોથી ઢંકાયેલા જીવના સ્વભાવિક ગુણ કર્મોના નષ્ટ થતાં જ પ્રકાશિત થઈ જાય છે.
હવે પ્રશ્ન ઉઠે છે કે જીવના સ્વરૂપને ઢાંકનારું કે તેને પ્રભાવિત કરનારું શરીર કેમ અને કેવી રીતે બને છે? શરીર પુદ્ગલો (જડ તત્ત્વો)ની મિલાવટથી બને છે. પુદ્ગલનો અર્થ છે જેનો સંયોગ અને વિભાગ થઈ શકે, અર્થાત્ જેમને જોડીને એક મોટો આકાર આપી શકાય કે જેમને તોડીને નાનું પણ કરી શકાય. પુદ્ગલના સૌથી નાના ભાગને પરમાણુ કહે છે, જેનો વધુ વિભાગ થઈ શકતો નથી. વિશેષ પ્રકારના શરીર માટે વિશેષ પ્રકારના પુદ્ગલોની આવશ્યકતા હોય છે. જીવ જ પોતાની વિશેષ પ્રકારની વિકારયુક્ત પ્રવૃત્તિઓ અને વાસનાઓને અનુરૂપ વિશેષ પ્રકારના કર્મ-પુદ્ગલો (કર્માણુઓ) ને પોતાની તરફ આકૃષ્ટ (આસક્ત) કરે છે. એટલા માટે જીવ સ્વયં જ પોતાના શરીરનું નિમિત્ત કારણ છે અને જે પુદ્ગલોથી શરીર બને છે, તેઓ તે શરીરના ઉપાદાન(પ્રાપ્તિ)નાં કારણો છે. શરીરથી કેવળ સ્થૂળ શરીરનો જ અર્થ લેવો જોઈએ નહીં, બલકે એનાથી ઇંદ્રિય, મન અને પ્રાણનો પણ બોધ થાય છે. એ બધા જીવોના સ્વાભાવિક ગુણોને પ્રભાવિત કરે છે. આ પ્રમાણે કહી શકાય છે કે જીવની પોતાની જ ઈચ્છાઓ, પ્રવૃત્તિઓ, સંસ્કાર અને વાસનાઓ તેના શરીરના નિર્માણનાં મૂળ કારણો છે.