________________
જૈન ધર્મઃ સાર સંદેશ
એના દ્વારા તેઓ વિવેક-વિચાર કરી શકે છે. તેમને ‘સંશી’ કહેવામાં આવે છે. તેમનાથી નીચેની શ્રેણીના બધા જીવ ‘અસંશી' કહેવાય છે, કારણ કે તેમનામાં મનનો અભાવ હોય છે. એટલા માટે તેમનામાં વિવેક-વિચાર કરવાની ક્ષમતા હોતી નથી.
જીવ નિત્ય અથવા અમર તત્ત્વ છે. તે જ્ઞાતા, કર્તા, ભોકતા (ભોગવનાર) અને સ્વપરભાસી છે. અર્થાત્ જીવ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કર્મ કરે છે, સુખ-દુઃખ ભોગવે છે અને સ્વયં પ્રકાશમાન છે તથા બીજા પદાર્થોને પણ પ્રકાશિત કરે છે. જોકે આ નિત્ય જીવ શરીર, ઇંદ્રિય અને મન વગેરેથી ભિન્ન છે, છતાં પણ સંસારી અવસ્થામાં આ બધાના પ્રભાવથી એનામાં પરિવર્તન થતું રહે છે.
જો કે જીવ અમૂર્ત છે, એની કોઈ મૂર્તિ કે આકાર નથી, તો પણ સંસારી અવસ્થામાં એ આવાગમનના ચક્રમાં પડીને જેવું પણ શરીર ધારણ કરે છે, તેવો જ એનો આકાર થઈ જાય છે. જે પ્રમાણે જ્યારે કોઈ દીપકને કોઈ નાના કે મોટા ઘરમાં મૂકવામાં આવે છે, ત્યારે ઘરના આકારના સમાન જ તે દીપકના પ્રકાશનો વિસ્તાર (વ્યાપ) પણ થઈ જાય છે. નાના-મોટા જીવિત શરીરના પ્રત્યેક ભાગમાં ચેતનતાનો અનુભવ કરવામાં આવે છે. એનાથી એ સિદ્ધ થાય છે કે આખા શરીરમાં જીવનું અસ્તિત્ત્વ છે. એટલા માટે જૈન ધર્મ જીવને ન અણુ-રૂપ માને છે અને ન સર્વવ્યાપી જ. તેના અનુસાર જીવ મધ્યમ પરિમાણ વાળો છે. આ જ અર્થમાં અમૂર્ત જીવને જૈન ધર્મમાં અસ્તિકાય (વિસ્તારયુકત) માનવામાં આવ્યો છે.
76
અહીં આ વાત યાદ રાખવી જોઈએ કે જીવનો વિસ્તાર જડ પદાર્થોના વિસ્તારથી ભિન્ન પ્રકારનો હોય છે. જે સ્થાને કોઈ એક જડ પદાર્થ (જેવો કે ઇંટ કે પથ્થર) મૂકવામાં આવે છે, ઠીક તે જ સ્થાનમાં તે જ સમયે કોઈ બીજો જડ પદાર્થ રાખી શકતો નથી. પરંતુ જ્યાં એક જીવનો નિવાસ છે, ત્યાં બીજા જીવનો પણ પ્રવેશ થઈ શકે છે. જે પ્રમાણે એક જ ઓરડાને એક, બે કે અધિક દીપક એક સાથે પ્રકાશિત કરી શકે છે, એ જ પ્રમાણે બે કે અધિક જીવ એક સાથે એક જ સ્થાનમાં રહી શકે છે.
જીવ અને અજીવ એક–બીજાથી બિલકુલ ભિન્ન હોવા છતાં પણ આ સંસાર આ બન્નેની મિલાવટના આધાર પર ચાલી રહ્યો છે. જ્યારે કોઈ જીવ