________________
54
જૈન ધર્મ સાર સંદેશ સારી રીતે ગ્રહણ કરવાથી આપણે આ કુરીતિઓથી બચી શકીએ છીએ અને પોતાના વિચારને ઉદાર અને પક્ષપાતરહિત જાળવી શકીએ છીએ. | સર્વપ્રથમ, જેમ કે આપણે જોઈ ચૂક્યા છીએ, જેન ધર્મનો મૂળ ઉદેશ પોતાના આત્માના સાચા સ્વરૂપને ઓળખીને, અર્થાત્ એના સાચા સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીને, એને પરમાત્મારૂપ બનાવવાનો છે. કારણ કે બધાનો આત્મા મૂળ રૂપે એકસમાન છે અને બધા એકસમાન જ સુખની ચાહ રાખે છે, એટલા માટે જૈન ધર્મનું સ્વાભાવિક લક્ષ્ય પોતાને અને સમસ્ત વિશ્વને સુખી અને શાંતિપૂર્ણ બનાવવાનું છે. આ સાંપ્રદાયિક સંકીર્ણતા અને જાતિ, વર્ગ અથવા સમાજની પારસ્પરિક દ્વેષ-ભાવનાથી દૂર રહીને બધાની સમાનતા બતાવતાં બધામાં પરસ્પર સભાવ, સહાનુભૂતિ, મિત્રતા અને પ્રેમને સ્થાપિત કરીને સર્વને વિશ્વ-પ્રેમ અને વિશ્વ-શાંતિ તરફ પ્રેરિત કરવા ઇચ્છે છે.
જૈન ધર્મનો સ્યાદ્વાદ સિદ્ધાંતની ઉદારતાનું બીજું મહત્વપૂર્ણ કારણ છે. સ્યાદ્વાદનો મૂળ વ્યાવહારિક ઉદેશ છે પોતાની દૃષ્ટિ, વિચાર અને કથનને સંકીર્ણ, એકાંગી, એકપક્ષીય અને પક્ષપાતપૂર્ણ ન બનાવતાં એમને વ્યાપક, ઉદાર, નિષ્પક્ષ અને સર્વગ્રાહી બનાવવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે આ સિદ્ધાંત સ્વાભાવિક રૂપે જેને ધર્મની દૃષ્ટિને ઉદાર બનાવે છે.
જૈન ધર્મની ત્રીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે એ પોતાને કોઈ એક યુગ કે કોઈ એક સમયમાં અવતરેલા કોઈ એક મહાત્મા કે મહાપુરુષના ઉપદેશ પર આધારિત ન માનીને અનાદિકાળથી આવતા રહેલા પૂર્ણ રૂપથી મુક્ત મહાપુરુષોના ઉપદેશને પોતાનો આધાર માને છે. આ મુક્ત મહાપુરુષોના ઉપદેશ સ્વાભાવિક રીતે એક રૂપ હોય છે. કોઈ એક વ્યક્તિના ઉપદેશથી બંધાયેલા ન હોવાને કારણે જૈન ધર્મમાં કટ્ટરતા, હઠધર્મિતા અને રૂઢિવાદિતા આવવાની સંભાવના સ્વાભાવિક રીતે ઓછી થઈ જાય છે અને એની દૃષ્ટિ સહજરૂપે ઉદાર બની જાય છે.
અહિંસાને પરમ ધર્મ માનવો એ જૈન ધર્મની ચોથી મહત્વપૂર્ણ વિશેષતા છે. આ જૈન ધર્મની ઉદારતાનો પ્રમુખ આધાર છે. અહિંસાનો સંક્ષિપ્ત અર્થ છે કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે મન, વચન અને કર્મથી કષ્ટ ન પહોંચાડવું.