________________
જૈન ધર્મઃ સાર સંદેશ
આ વાતની પુષ્ટિ કરતાં ભાવપાહુડ મૂલ, પરમાત્મપ્રકાશમૂલ અને તત્ત્વાનુશાસનમાં પણ કહેવામાં આવ્યું છેઃ
50
મોહ અને ક્ષોભ રહિત અર્થાત્ રાગદ્વેષ અને યોગોથી રહિત આત્માના પરિણામને ધર્મ કહે છે.36
જૈન ધર્મ અનુસાર બધા મનુષ્ય સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના દ્વારા પોતાના આત્માનો અનુભવ પ્રાપ્ત કરીને પરમાત્મા બની શકે છે. એટલા માટે ધર્મને કોઈ વ્યકિત, જાતિ કે વર્ગની સંપત્તિ માનવું ભૂલ છે. એને સ્પષ્ટ કરતાં નાથુરામ ડોંગરીય જૈન ફરી કહે છેઃ
આ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ સાચો ધર્મ કહે છે, જેના પ્રભાવથી મહાન પાપિષ્ઠ અને પતિત આત્માઓ પણ પાવન અને પરમાત્મા બની શકે છે. કલ્યાણ અને આત્મોન્નતિનું ઇચ્છુક પ્રત્યેક પ્રાણી, ભલે તે કોઈ પણ વર્ગ, જાતિ અને અવસ્થામાં કેમ ન હોય, પોતાની યોગ્યતા અનુસાર ઉપરોકત રત્નત્રય અર્થાત્ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મને ધારણ કરવા માટે પૂર્ણ સ્વતંત્ર છે. આ ધર્મ કોઈ વ્યક્તિ, જાતિ, સમાજ કે વર્ગ વિશેષની સંપત્તિ ન રહેતાં પ્રાણી માત્રની સંપત્તિ છે અને પ્રત્યેક વ્યક્તિ તેના દ્વારા પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરી શકે છે.37
જૈન આચાર્યોના આ કથનો પર ધ્યાન આપવાથી એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મનો મર્મ પોતાના આત્માના તે મૂળ સ્વરૂપને ઓળખવામાં છે જે મોહ, ક્ષોભ આદિ વિકારોથી સર્વથા મુક્ત છે. આ વાત પર ભાર મૂકતાં કાનજી સ્વામી કહે છેઃ
જૈન ધર્મ કોઈ વાડાઓમાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની ક્રિયાઓમાં નથી, પરંતુ આત્મસ્વરૂપની ઓળખમાં જ જૈન ધર્મ છે – જૈનત્વ છે.38 તેઓ ફરી કહે છેઃ
એટલા માટે જ્ઞાનીજન એ જ કહે છે કે સર્વપ્રથમ સમ્યક્ પુરુષાર્થ દ્વારા આત્મસ્વરૂપને જાણો, તેની જ પ્રતીતિ-રુચિ-શ્રદ્ધા અને મહિમા કરો.