________________
49
જૈન ધર્મનું સ્વરૂપ
જ્ઞાનાર્ણવમાં પણ ધર્મના આ જ દસ લક્ષણોનો ઉલ્લેખ મળી આવે છે. જૈન ધર્મના આ લક્ષણોને તે જ પૂરી રીતે અપનાવી શકે છે જે જેન ધર્મમાં બતાવવામાં આવેલા સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર નામના ‘રત્નત્રય’નું દૃઢતાપૂર્વક પાલન કરે છે. આ જ કારણ છે કે રત્નકરણ શ્રાવકાચાર, કાર્તિકયાનુપ્રેક્ષા, તત્ત્વાનુશાસન આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “ગણધરાદિ આચાર્ય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને ધર્મ કહે છે.’’1 પુરુષાર્થસિદ્ધયુપાયમાં પણ કહેવામાં આવ્યું છેઃ
રત્નત્રયમિહ હેતુર્નિર્વાણચૈવ ભવતિ 2
અર્થાત્ આ લોકમાં રત્નત્રયરૂપ ધર્મ નિર્વાણનું જ કારણ છે. નાથૂરામ ડોંગરીય જેને પણ એને ‘સાચો ધર્મ’ બતાવતાં કહ્યું છેઃ
આ સમ્યક્દર્શન, જ્ઞાન, ચરિત્રને જ સાચો ધર્મ કહે છે, જેના પ્રભાવથી મહાન પાષિષ્ઠ અને પતિત આત્માઓ પણ પાવન અને પરમાત્મા બની શકે છે.33
ગણેશપ્રસાદજી વર્ણી પણ કહે છેઃ
વાસ્તવમાં રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર) જ મોક્ષનો એક માર્ગ છે.34
ધર્મના બધા નિયમો સહિત રત્નત્રયની સાધના આત્માના સ્વરૂપને ઓળખવા અથવા આત્માને પોતાનામાં લીન કરવા માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થઈ જતાં રાગ-દ્વેષ, મોહ-ક્ષોભ આદિ વિકારોનો તેનામાં પ્રવેશ થઈ શક્તો નથી, આત્મા પોતાની સામ્યતા, વીતરાગતા કે સ્વરૂપલીનતાની અવસ્થામાં આવી જાય છે અને ધર્મનાં બધાં લક્ષણ પોતાની મેળે આત્માના સ્વાભાવિક ગુણો બની જાય છે. એટલા માટે અનેક જૈન ગ્રંથોમાં સમતા, વીતરાગતા તથા રાગ-દ્વેષ અને મોહ-ક્ષોભથી રહિત અવસ્થાને જ સાચો ધર્મ માનવામાં આવ્યો છે. ઉદાહરણ માટે ભાવ પાહુડ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
રાગાદિ સમસ્ત દોષોથી રહિત થઈ આત્માનું આત્મામાં જ રત થઈ જવું ધર્મ છે.35