________________
37
જૈન ધર્મનું સ્વરૂપ
કારણ કે સુખ અને શાંતિ આત્માના સ્વાભાવિક ગુણ છે, એટલા માટે સુખ-શાંતિની પ્રાપ્તિ માટે આવશ્યક છે કે આત્મા પોતાને પોતાની અંદર લીન કરીને પોતાના અસલી સ્વરૂપને પિછાણે. પરંતુ ભ્રમમાં પડેલો જીવ પોતાની અંદર સુખની શોધ ન કરતાં તેને બાહ્ય વસ્તુઓ અને વ્યકિતઓમાં શોધવાની કોશિશ કરે છે. તે વધારેમાં વધારે જમીન-જાયદાદ, ધન-દોલત અને સંસારની અનેક પ્રકારની ભોગવિલાસની વસ્તુઓ પર પોતાનો અધિકાર જમાવવા ઇચ્છે છે અને એના માટે તે પોતાની એડીથી ચોટલી સુધી પરસેવો પાડે છે. આ જ પ્રમાણે પોતાના કુટુંબપરિવાર અને સંબંધીઓને સુખી બનાવવા માટે તે પવિત્રમાં પવિત્ર નૈતિક નિયમોનું પણ ઉલ્લંઘન કરી દે છે. પોતાના ભ્રમવશ તે ભૂલી જાય છે કે આ પદાર્થો અને વ્યક્તિઓ દ્વારા તેને ક્યારેય પણ સાચું કે સ્થાયી સુખ મળી શકતું નથી અને ન એમનામાંથી કોઈપણ તેનો સાથ જ આપી શકે છે. બધાને અહીં જ છોડીને તેણે એક દિવસ ખાલી હાથે જ જવું પડે છે. બીજાઓની વાત તો દૂર રહી, પોતાના કુટુંબ-પરિવારવાળાઓ પણ માત્ર પોતાના સ્વાર્થના જ સંગી હોય છે. પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ તેઓ પોતાનું મોં ફેરવી લે છે.
આત્માથી ભિન્ન શરીરને તથા સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓને પોતાના સમજવાની ભૂલમાં પડેલા વ્યક્તિને સુંદર, બળવાન, ધનવાન, કુલીન, પ્રતિષ્ઠિત આદિ હોવાનું અભિમાન હોય છે અને આ અભિમાન તેના સર્વનાશનું કારણ બની જાય છે.
આ સંબંધમાં ગણેશપ્રસાદજી વર્ણીના કેટલાક પસંદ કરેલા પદ અર્થ સહિત નીચે આપવામાં આવે છે જેમનામાં જીવને પોતાના પરમ આનંદમય પરમાત્મારૂપ પ્રાપ્ત કરવા માટે પારકી વસ્તુઓમાંથી ધ્યાન હટાવીને તેને આત્મસ્વરૂપમાં લીન કરવાનો ઉપદેશ જોરદાર શબ્દોમાં આપવામાં આવ્યો છે :
આ ભવ વનના મધ્યમાં જિન વિના જાણે જીવ,
ભ્રમણ યાતના સહી પામે દુઃખ અપાર. “જિન(રાગ-દ્વેષ આદિ દોષો પર વિજય પ્રાપ્ત કરી ચૂકેલા સાચા માર્ગદર્શક)ને જાણ્યા વિના જીવ આ સંસારરૂપી વનની વચ્ચે આવાગમનનું કષ્ટ સહન કરતાં અપાર દુઃખો ઉઠાવે છે.